અંકલેશ્વર : છાપરા પાટિયા પાસે આવેલ ભૂતમામાંની ડેરી નજીક ગઈકાલે રાત્રીના સમયે આંગડિયા પેઢીનો કર્મચારી પાસે રહેલા 45 લાખની લૂંટનો બનાવ સામે આવ્યો હતો. આંગડિયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી 45 લાખ રોકડા એક્ટીવા પર અંકલેશ્વર જઇ રહ્યો હતો. આ દરમિયાનમાં ભુતમામાની ડેરી પાસે એક બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ચપ્પુની અણીએ રોક્યા હતા. તેની આંખમાં મરચાની ભૂકી નાખી 45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા, પરંતુ પોલીસની કર્મચારીને કડક પૂછપરછ કરતા ચોકાવનારી વાત સામે આવી હતી.
શું હતો સમગ્ર મામલો : ભરૂચ અંકલેશ્વરમાં આવેલી આંગડિયા પેઢીઓમાં લૂંટ કરતી ટોળકી સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. અંક્લેશ્વરની મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાં ફરજ બજાવતાં ભરત પટેલ તેમની એક્ટિવા પર ભરૂચ ખાતે આવેલી તેમની બ્રાન્ચ પર આવ્યા હતા. જ્યાંથી તેમણે રોકડા 45 લાખ લઇને તે રૂપિયા એક્ટિવાની ડેરીમાં મુકી અંકલેશ્વર તરફ જઈ રહ્યા થયાં હતાં. કર્મચારી નર્મદા મૈયા બ્રીજ પસાર કરી ભુતમામાની ડેરી પાસે પહોંચ્યો હતો, ત્યાં જ એક બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને ચપ્પુની અણીએ રોક્યા હતો. તે કંઈ સમજે તે પહેલાં જ તેની આંખોમાં મરચાની ભૂકી નાખી દઈ તેની એક્ટિવાની ડેકીમાંથી 45 લાખ રૂપિયા લઇ ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં.
નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું : ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ તુરંત એક્શનમાં આવી ગઇ હતી. બીજી તરફ LCB - SOGની ટીમોને પણ સતર્ક કરવા સાથે આસપાસના અન્ય પોલીસને જાણ કરી અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યા અનુસાર ફરિયાદી ભરત પટેલ જ લૂંટારો નીકળ્યો હતો. રાતોરાત લાખોપતિ બની જવાના આશયથી 45 લાખ રૂપિયા લઈને છાપરા પાટિયા પાસે અવાવરૂ જગ્યાએ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા હતા.
ફરિયાદીનો ભાંગી પડ્યો : પોલીસ તપાસમાં ફરિયાદીની કડક પૂછપરછ કરતા ફરિયાદી ભાંગી પડ્યો હતો અને ખોટી રીતે લૂંટની ઘટના બનાવીને પોલીસને ઘેર માર્ગે દોરી હતી. પોલીસે ભરત પટેલની ધરપકડ કરતા રૂપિયા જમીનમાં સંતાડેલા છે અને પોલીસ દ્વારા છાપરા પાસેની આવેલી અવાવરૂ જગ્યાએ જઈને ખાડો ખોદી 45 લાખ રૂપિયાની રકમ રિકવર કરેલા છે.