- પંડવાઈ ખાતે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવા એક બેઠક યોજાઈ
- ચૂંટણી બિન હરીફ જાહેર થયા બાદ પ્રમુખ તરીકે ઈશ્વર પટેલ
- ઉપપ્રમુખ તરીકે અનીલ પટેલની સર્વાનુમતે વરણી
ભરૂચ : હાંસોટ તાલુકાના પંડવાઈ સુગર ફેકટરીના પ્રમુખ તરીકે પુનઃ એકવાર રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. પંડવાઈ સુગરમાં કુલ 16 સભ્યો માટે ચૂંટણી યોજાનાર હતી. જેમાં 15 ઉત્પાદક અને 1 બિન ઉત્પાદક સભ્યો માટે ચૂંટણી યોજાનાર હતી. ભરૂચ જિલ્લાના 6 તાલુકાના 400 થી વધુ ગામોમાં 29 હજારથી વધુ સભાસદ ધરાવે છે. ઈશ્વરસિંહ પટેલની પેનલ છેલ્લા 23 વર્ષથી સત્તા આરૂઢ છે. પરંતુ ચૂંટણી પૂર્વે જ તેઓની પેનલ બિન હરીફ જાહેર થઇ હતી. હાલ સુધીમાં પ્રથમ વખત તેઓની પેનલ બિન હરીફ થઇ હતી.
ઉપસ્થિત સહુએ નવનિયુક્ત પ્રમુખ તેમજ ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા
પંડવાઈ ખાતે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવા માટે એક બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે પુનઃ એકવાર સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની નિમણુક કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે અનિલ પટેલની નિમણુક કરવામાં આવી છે. ઉપસ્થિત સહુએ નવનિયુક્ત પ્રમુખ તેમજ ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવા પ્રયત્નો કરાશે: ઇશ્વરસિંહ પટેલ
નવનિયુક્ત પ્રમુખ અને રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ખેડૂતોને શેરડીના વધુ ભાવ મળે એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. આ સાથે જ તેઓએ બિન હરીફ પ્રમુખ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.