ભરૂચઃ જિલ્લામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોધાયો છે. અંકલેશ્વરના તીર્થ નગરમાં રહેતા 6 વર્ષીય બાળકને કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ જયાઅભેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં 10 દિવસ બાદ કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.અંકલેશ્વરના તીર્થ નગરમાં રહેતા 6 વર્ષીય બાળક હિતેશ પ્રજાપતિને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
હિતેશ પ્રજાપતિ પરિવારજનો સાથે લોકડાઉન પૂર્વે અમદાવાદના વટવા ખાતે સંબંધીને ત્યાં ગયો હતો જો કે, લોકડાઉનના સમયમાં તેઓ પરત અંકલેશ્વર આવી શક્યા ન હતા. પરંતુ તારીખ 27મે ના રોજ તેઓ અંકલેશ્વર આવતા 6 વર્ષીય બાળકને શરદી ખાંસી સાથે કોરોનાના લક્ષણ જણાતા હતા જેને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેનો ટેસ્ટ કરાવાતા તેને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.
પોઝિટિવ કેસ હોવાનું બહાર આવતા જ તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમે તીર્થ નગરમાં ધામ નાખ્યા હતા અને સેનેટાઈઝર સહિત સ્ક્રીનીંગની કામગીરી પણ શરુ કરી હતી આમ ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા 38 પર પહોચી ગઇ છે.