અંકલેશ્વરમાં ઉદ્યોગપતિઓ સરકારની નિયમનો સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. નિયમોના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે. તો કેટલાક ઉદ્યોગો મંદીના ઝપાટે આવી બંધ થવાને આરે પહોંચી ગયા છે. જેથી ઉદ્યોગકારોએ સરકારની નીતિમાં સુઘારો કરવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વરમાં 1200 ઉદ્યોગો છે. જે વર્ષોથી ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનનો સામનો કરતા હતા. આ ઉદ્યોગિક વસાવતને 5 વર્ષ પહેલા પોલ્યુટેડ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર અંક્લેશ્વરએ પાનોલી ઔદ્યોગિક વસાહતનો ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેના કારણે ઉદ્યોગોનું એક્સપાન્સ અટકી ગયું છે, અને નવા ઉદ્યોગોનો પ્રવેશ થઈ રહ્યો નથી. તો બીજી તરફ ઉદ્યોગો મંદીમાં સપડાઈ રહ્યાં છે. જેથી અંક્લેશ્વરના ઉદ્યોગકારો પ્રદૂષણ નિયત્રંણ બોર્ડના નિયમોથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે.
આ સમસ્યાના નિવારણ માટે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારોએ બેઠક કરી હતી. જેમાં ગુજરાત સરકારની નિતીનો વિરોધ કરી પોતાના હક માટે લડવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ઉદ્યોગકારોએ સરકારના નિયમોમાં જરૂરી સુધારા કરવાની માગ કરી છે. જો આ માગ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
આ અંગે ઉદ્યોગકારોએ આક્રોશ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, "સોમવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવાના છે. જો રજૂઆત છતાં કોઈ પરીણામ નહીં આવે તો, 3 હજાર ઉદ્યોગોને સ્વયંભુ બંધ કરીને આવનારા દિવસોમાં અંકલેશ્વરમાં છોડી અન્ય રાજ્યમાં પલાયન કરીશું. જે સરકારને તેના ઉદ્યોગકારોની ચિંતા ન હોય ત્યાં રહીને કોઈ ફાયદો નથી " આમ, સરકારની નીતિથી ત્રસેલા ઉદ્યોગકારો રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે રાજ્ય છોડવા માટે મજબૂર થયાં છે.