ભરૂચ: દિલ્હીના તબલીગી જમાત કેસનું અંકલેશ્વર કનેક્શન બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. EDની ટીમે અંકલેશ્વરના રવીદ્રા ગામે એક મોલાનાના ઘરે તપાસ હાથ ધરી હતી. જો કે, મૌલાનાનું કોરોનાના કારણે એક માસ પૂર્વે જ મોત નીપજતા અધિકારીઓએ પરિવારજનોના નિવેદન લીધા હતા.
દિલ્હી ખાતે યોજાયેલા મરકઝના કાર્યક્રમ બાદ કોરોના વિસ્ફોટ સહિતના કેસમાં દેશની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હી મરકઝના વડા મોલાના સાદ સાથે કનેક્શન સહિતની મનીલોન્ડરીંગના કેસમાં ED દ્વારા બુધવારે સમગ્ર દેશમાં 20 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વરનું કનેક્શન પણ બહાર આવ્યું છે.
અંકલેશ્વરના રવીદ્રા ગામે રહેતા મોલાના ઈસ્માઈલ ઝાઝીના ઘરે બુધવારે EDની ટીમ પહોંચી હતી. જ્યાં ટીમને જાણવા મળ્યું કે, 60 વર્ષીય મૌલાના ઝાઝીનું એક માસ પૂર્વે જ કોરોનાના કારણે મોત થયું છે, ત્યારે EDના અધિકારીઓએ પરિવારજનોની પૂછતાછ કરી હતી અને મોલાનું ડેથ સર્ટીફીકેટ સહિતના દસ્તાવેજો માગ્યા હતા.સુત્રોના જણાવ્યા અનુસાર, મોલાના ઈસ્માઈલ ઝાઝીએ દિલ્હી ખાતે યોજાયેલા મરકઝના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને તેઓ અવારનવાર દિલ્હી જતા હતા. તેઓ દિલ્હી મરકઝમાં વહીવટદાર તરીકે કામ કરતા હતા અને મૌલાના સાદ સાથે તેઓના ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે તપાસનો રેલો અંકલેશ્વર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.