ભરૂચઃ અરબી સમુદ્રમાં નિસર્ગ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હાલ ગુજરાતના દરિયા કાંઠાથી આ વાવાઝોડું 900 કિમી દુર છે. હાલ અરબી સમુદ્રમાં સક્રિય ડીપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. આગામી 12 કલાકમાં ડીપ્રેશન ડીપ વાવાઝોડામાં પરિવર્તિત થઈ 24 કલાકમાં વાવાઝોડું બની જશે. આ વાવાઝોડાના ગુજરાત તરફ આવવાના એંધાણ છે.
3 જુનના રોજ 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ આ વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાને અડીને દરિયો આવેલો છે, જેના 25થી વધુ ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના જંબુસર, હાંસોટ અને વાગરા તાલુકાના દરિયા કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓને ખડેપગે રહેવા સુચના આપવામાં આવી છે. જ્યારે મંગળવારે ભરૂચ જિલ્લામાં એક એન.ડી.આર.એફ.ની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભરૂચ જિલ્લાના માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.