ખેડા: બહેરીન ખાતે 22 થી 29 નવેમ્બર દરમિયાન વર્લ્ડ પેરા ટાઈકવોન્ડો ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેમાં નડીયાદની મૈત્રી સંસ્થાના દિવ્યાંગ ખેલાડી પ્રિતેશ પટેલે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ચેમ્પિયનશીપમાં તેણે મોરોક્કો અને કઝાકિસ્તાનના ખેલાડીઓ સાથે મુકાબલો કર્યો હતો. જેમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં આ પ્રથમ મેડલ આવ્યો છે.આ સ્પર્ધામાં ભારતે કુલ 17 મેડલ મેળવી વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ મેળવ્યો છે.
રાષ્ટ્રિય કક્ષાએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા:
પ્રિતેશ પટેલ છેલ્લા પાંચ વર્ષથી સઘન તાલીમ મેળવી રહ્યો છે.ત્રણ વર્ષથી તે પેરા ટાઈક્વાનડોની નેશનલ રમે છે.જેમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. નવેમ્બરમાં ફગવારા પંજાબમાં યોજાયેલ નેશનલ સ્પર્ધામાં પ્રિતેશે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. માર્ચ મહિનામાં ચંદીગઢ ખાતે યોજાયેલી નેશનલ સ્પર્ધામાં પણ તેણેગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમજ ગત ઓગસ્ટ માસમાં પંજાબમાં નેશનલ સ્પર્ધા થઈ હતી તેમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
રેન્કિંગમાં તેનું સ્થાન આગળ આવવાને લીધે ભારત તરફથી તેને આ વર્લ્ડ પેરા ટાઈક્વાનડો ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મોકલવામાં આવ્યો હતો. પ્રિતેશનું 2028માં અમેરિકા ખાતે યોજાનાર પેરાલિમ્પિકમાં સિલેક્સન થાય તે માટે હાલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.
'પેરાલિમ્પિકમાં સિલેક્શન થાય તે માટે સતત પ્રયાસ કર્યો'
પ્રિતેશના કોચ મેહુલભાઈ પરમારે જણાવ્યું હતું કે, 'હમણાં જ બહેરીન ખાતે વર્લ્ડ પેરા ટાઈક્વાનડો ચેમ્પિયનશિપ થઈ હતી.જેમાં પ્રિતેશ પટેલ અને કોચ તરીકે મારૂ સિલેક્શન થયુ હતું. ત્રીસ કરતા વધારે દેશોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રીતેશે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જે સમગ્ર ભારત દેશ તથા ગુજરાત માટે ગૌરવની વાત છે.
ભારત દેશે સત્તર મેડલ મેળવી વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ મેળવ્યો છે. 2028 માં આ પેરાલિમ્પિક સ્પર્ધા અમેરિકા ખાતે થવાની છે. એમાં પણ પ્રિતેશનું સિલેક્શન થાય એ માટે અમારી પ્રેક્ટિસ સતત ચાલુ છે.
આ પણ વાંચો: