જૂનાગઢ: આગામી દિવસોમાં જૂનાગઢ, પોરબંદર, સોમનાથ અને સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. 11 તારીખ સુધીમાં મોટાભાગના આ વિસ્તારોમાં તાપમાનનો પારો 8 કે 9 ડિગ્રી સુધી નીચે જતો જોવા મળશે, જેને કારણે આ દિવસો દરમિયાન ઠંડીની શીત લહેર છવાતી પણ જોવા મળી શકે છે. ઠંડીના પ્રમાણને ધ્યાને રાખીને ખેડૂતોએ પણ કૃષિ પાકોને લઈને સાવચેત રહેવાની સૂચના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે જાહેર કરી છે.
જૂનાગઢ સહિત સોરઠમાં જોવા મળશે શીત લહેર: આગામી અઠવાડિયામાં જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને સમગ્ર સૌરાષ્ટ્રની સાથે કચ્છ વિસ્તારના કેટલાક જિલ્લાઓમાં શીત લહેર છવાતી જોવા મળી શકે છે. 11 તારીખ સુધીમાં ઠંડીનું વાતાવરણ શિયાળા દરમિયાન પ્રથમ વખત તેના ચરમ પર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ખાસ કરીને રાત્રિ દરમિયાન ખૂબ નીચે ઉતરીને 8 કે 9 ડીગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાત્રિના તાપમાનમાં જે રીતે ઘટાડો નોંધાશે તે જ રીતે દિવસનું તાપમાન પણ જે અત્યારે 30 કે 31 ડિગ્રીની આસપાસ જોવા મળે છે તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
ખેડૂતોએ રાખવી પડશે સાવધાની: આમ, જે રીતે તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો નોંધાશે તેને ધ્યાને રાખીને ખેડૂતોએ પણ કૃષિ પાકોને બચાવવા માટે ખાસ તકેદારી અને સાવધાની પણ રાખવી પડી શકે છે. ખેતી પાકોને આકરી ઠંડીથી બચાવવા માટે કૃષિ નિષ્ણાતો દ્વારા સૂચવેલ પાણીનું પિયત સવાર અને સાંજના સમયે આપવું જોઈએ. એ જ રીતે શાકભાજીના પાકોમાં પણ સવાર અને સાંજ બે સમય દરમિયાન જમીનમાં ભેજ જળવાઈ રહે તે પ્રકારે પીયચ આપવાથી કૃષિ પાકોને આકરી ઠંડીમાંથી બચાવી શકાય છે. વધુમાં ખૂબ જ ઠંડીના દિવસો દરમિયાન ખેડૂતોએ કૃષિ પાકોમાં ખાતરનો અતિરેક ઉપયોગ ટાળવો જોઈએ. ઉપરાંત વધુ ખાતર પણ સતત વધી રહેલી ઠંડીને કારણે કૃષિ પાકોને નુકસાન કરી શકે છે.
પવનના પ્રમાણમાં પણ જોવા મળશે ઘટાડો: હાલ જે રીતે પવનનું પ્રમાણ જોવા મળે છે તે ઠંડી વધવાની સાથે જ તેમાં ઘટાડો નોંધાઈ શકે છે. હાલ જે રાત્રિ દરમિયાનનું તાપમાન 12 કે 13 ડિગ્રી છે તે આગામી 3-4 દિવસ સુધી જળવાઈ રહેતું જોવા મળી શકે છે. પરંતુ ત્યારબાદ રાત્રિના તાપમાનમાં 8 કે 9 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે. આ સિવાય અત્યારે જે દિવસનું તાપમાન 30 થી 32 ડિગ્રીની વચ્ચે જોવા મળે છે તેમાં પણ રાત્રિનું તાપમાન ઘટવાથી ઘટાડો થઈ શકે છે. આમ, જેમ-જેમ રાત્રીનું તાપમાન ઓછું થતું જશે તેમ-તેમ દિવસનું તાપમાન પણ ઘટતું જશે. પરિણામે લોકોને રાત્રિ અને દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થઈ શકે છે.
આ પણ વાંચો: