જૂનાગઢ : હાલમાં જ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા ગૃહ વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. સોમવારે સાંજે હર્ષદ મહેતાની સ્વૈચ્છિક નિવૃત્તિ દરખાસ્ત સરકારે મંજૂર કરતા બાદમાં તેઓનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. પોલીસ અધિક્ષક કચેરીથી બહાઉદ્દીન કોલેજ સુધી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પોલીસ વડા હર્ષદ મહેતાની કારને દોરડા વડે ખેંચીને પુષ્પના વરસાદ સાથે વિદાય આપી હતી.
IPS હર્ષદ મહેતાનો ભવ્ય વિદાય સમારંભ : જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે દરખાસ્ત રાજ્ય સરકારને ત્રણ મહિના પૂર્વે મોકલી હતી. સોમવારે સાંજે હર્ષદ મહેતાની સ્વૈચ્છિક નિવૃત્તિ દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવતા મંગળવારના રોજ તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક કચેરીથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં બે કલાક ચાલેલા આ લાંબા વિદાય સમારંભની શરૂઆત થઈ હતી.
પુષ્પ વર્ષા સાથે સાવજને સન્માનીય વિદાય : જૂનાગઢ પોલીસ વિભાગના જવાનો અને અધિકારીઓએ પોલીસ વડા હર્ષદ મહેતાની કારને પોલીસ અધિક્ષક કચેરીથી બહાઉદ્દીન કોલેજ સુધી દોરડા વડે ખેંચીને પુષ્પના વરસાદ સાથે વિદાય આપી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સફળતાપૂર્વક કામગીરી કરેલ સૌરભ સિંગ અને બાદમાં રવિ તેજા વાસમ શેટ્ટીનો પણ ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આ વખતે હર્ષદ મહેતાનો વિદાય સમારંભ પણ ખૂબ જ ભવ્યતા સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
50 વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ : હર્ષદ મહેતા જ્યારે પોલીસ વિભાગમાં સેવાઓ માટે જોડાયા હતા ત્યારે તેમણે સ્વયં નક્કી કર્યું હતું કે 50 વર્ષની ઉંમર બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સમાજસેવા અને પરિવારને સમય આપશે. તેમની વય 50 વર્ષ થતાં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિની દરખાસ્ત કરી, જેને રાજ્યના ગૃહ વિભાગે સ્વીકાર કરી હતી. IPS હર્ષદ મહેતાના વિદાય સમારંભમાં જૂનાગઢના શહેરીજનો અને પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.