- ચાસવડ ચોકડી નજીક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત
- 2 લોકોના મોત 5 ઇજાગ્રસ્ત
- 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
ભરુચ : નેત્રંગ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. નેત્રંગ માંડવી રોડ પરથી એક જીપચાલક મુસાફરો બેસાડી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ચાસવડ ચોકડી નજીક પૂર ઝડપે ધસી આવેલી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં જીપને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીપમાં સવાર બે લોકોના મોત થયાં હતાં. જ્યારે જીપચાલક સહિત 5 લોકોને ઇજા પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ટ્રકચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
બનાવની જાણ થતાની સાથે જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રકચાલક નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ પોલીસ સઘન તપાસ હાથ ધરી છે.