ભરૂચઃ જિલ્લામાં બે દિવસમાં 8 ટ્રેન મારફતે 12,800 પરપ્રાંતિયોને તેમના વતન રવાના કરવા આવ્યાં છે. અત્યાર સુધી 24 ટ્રેન મારફતે 36,140 કામદારોએ વતન ગમન કરતા ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે.
લોકડાઉનના 55 દિવસ સુધી કર્મભૂમિ પર ફસાયેલા પરપ્રાંતિયો હવે માતૃભુમી માટે ગમન કરી રહ્યા છે. ઓદ્યોગિક હબ ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ ઔદ્યોગિક વસાહતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે, ત્યારે હવે લોકડાઉનમાં છૂટ મળતાની સાથે જ તેઓ તેમના વતન જઈ રહ્યા છે. જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 8 ટ્રેન મારફતે 12,800 પરપ્રાંતિયોએ તેમના વતન તરફ પ્રયાણ કર્યું હતું. વહીવટી તંત્ર દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સુધી સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી હતી, ત્યારે અત્યાર સુધીમાં કુલ 24 ટ્રેન મારફતે 36,140 કામદારોએ વતન ગમન કરતા ઉદ્યોગોની કમર તૂટી રહી છે. પરપ્રાંતીય શ્રમિકો વતન જતા રહેતા ઉદ્યોગોમાં લેબ ક્રાઈસીસનો પ્રશ્ન સર્જાયો છે અને ઘણા પ્લાન્ટ બંધ કરવાની પણ ફરજ પડી છે.