હાંસોટના છેવાડાના ઈલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કુલ દ્વારા પુલવામાં આતંકી હુમલાના શહીદોને શ્રધ્ધાંજલી અર્પવા અનોખી વૃક્ષમિત્ર યોજના અમલમાં મુકી છે. જેમાં શહીદોના નામે ગામમાં 40 વૃક્ષનું રોપાણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તથા વૃક્ષનું જતન કરનાર ગ્રામજનોને 5 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.

હાંસોટ તાલુકાના છેવાડાના ઈલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કુલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ દરમિયાન પર્યવરણના જતન સાથે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એક અનોખી વૃક્ષ મિત્ર યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. જેના અંતર્ગત શાળા દ્વારા ગામમાં 40 વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને આ માટે રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આ 40 વૃક્ષોનું જતન કરી તેને ઉછેરનાર દરેક વ્યક્તિને 5 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

શાળાના વરિષ્ઠ શિક્ષક રાજેન્દ્રસિંહ કઠવાડીયા પાંચ વર્ષ બાદ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેઓ દ્વારા આ રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે.શાળા દ્વારા પર્યાવરણના જતન સાથે આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આ અભિગમ દાખવામાં આવ્યો છે.