- જંબુસરના નોંધણા ગામે મકાન ધરાશાયી થતા દોડધામ
- કાટમાળ નીચે દબાતા બે સગી બહેનના મોત
- પરિવારના માથે આભ તૂટી પડ્યું
ભરૂચ: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મકાન ધરાશાયી થવાની અનેક ઘટના બને છે. જંબુસરમાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં બે બાળકીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
જંબુસરના નોંધણા ગામે સ્થાનિક પંચાયતમાં કામ કરતા અર્જુનભાઈ પરમારના મકાનની કોમન વોલ એકાએક ધરાશાયી થતા આખું મકાન જ બેસી ગયું હતું. જેમાં તેમની બે દીકરીઓ પૈકી 13 વર્ષની હિના પરમાર અને 12 વર્ષની વૈશાલી પરમાર દબાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને બહેનોને કાટમાળમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તબીબોએ બંને બાળકીઓને મૃત જાહેર કરી હતી.
અમ, બે સગી બહેનોના મોત નીપજતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. પરિવાર માટે વરસાદ આફત બનીને આવ્યો હતો અને બે-બે દીકરીઓને છીનવી લેતા હ્રદયદ્રાવક દ્રશ્યો દેખાયા હતા. આ બનાવ અંગે વેડચ પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ શરુ કરી હતી.