ભરૂચમાં 400 વર્ષ કરતા વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કોમી એકતાના પ્રતિક સમા આ મેળામાં કોઠાનું ફળ પરસ્પર લડાવવામાં આવે છે. જે આકર્ષણનું કેન્દ્ર બને છે.
ભીડભંજન વિસ્તારમાં છેલ્લા 400 વર્ષથી કોઠા પાપડીનો પરંપરાગત મેળો ભરાઇ છે. આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે, તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે. તેમાં હિંદુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે. દર વર્ષે માગશર મહિનાના દર ગુરૂવારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાઈ છે.
મેળામાં આવતા લોકો મેળામાંથી કોઠાનું ફળ ખરીદે છે અને કોઠાને સામેવાળી વ્યક્તિ સાથે લડાવે છે. આ યુદ્ધમાં જેનું કોઠુ તૂટી જાય એ હારી જાય અને એણે તેનું કોઠાનું ફળ જીતનાર વ્યક્તિને આપી દેવાનું હોય છે. આ કોઠા યુદ્ધનું મેળામાં અનેરું આકર્ષણ હોય છે. તેની સાથે લોકો પાપડી પણ આરોગવાની મજા માણે છે.