ભરૂચ : કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉનના પગલે સમગ્ર દેશમાં મંદિર, મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. જો કે સરકાર દ્વારા અનલોક-1 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મંદિર અને મસ્જિદ ખોલવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે સોમવારથી ભરૂચ શહેર અને જિલ્લાના તમામ મંદિર ખોલવામાં આવ્યા છે.
જિલ્લાના નવા ડેરા વિસ્તારના દત્ત મંદિર, મકતમપુર વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર, કસકમાં આવેલા જલારામ મંદિર અને લીંક રોડ પર આવેલા મોઢેશ્વરી માતાનું મંદિર સહિતના મંદિરો ખોલવામાં આવ્યા છે. જેમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે તમામ નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ તકે મંદિરમાં આવતા ભક્તો માટે સેનેટાઈઝર અને માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે. 75 દિવસના લોકડાઉન બાદ મંદિરો ખુલતા ઘંટનાદના ગુંજારવથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થયો હતો.
આ તરફ ભરૂચ શહેર અને જિલ્લાની મસ્જીદો પણ ખોલવામાં આવી છે. મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં જઈ અલ્લાહની બંદગી ગુજારી હતી તો ગુરુદ્વારા અને ચર્ચ પણ ખોલવામાં આવ્યા છે.
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉનના પગલે ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલા મોલ બંધ રાખવાના આદેશ અપાયા હતા, ત્યારે અનલોક-1માં આજે સોમવારથી મોલ ખોલવામાં આવ્યા છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા બીગ બજાર સહિતના મોલ ખોલવામાં આવ્યા છે. જેમાં પ્રથમ દિવસે ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોના પાલન સાથે ખરીદી કરી હતી.