ભરૂચ: ભરૂચના ટેલરે 3D ખિસ્સાવાળા માસ્ક બનાવ્યા છે. બાળકો, મહિલાઓ અને પુરૂષો માટે 3 કેટેગરી અને અલગ અલગ સાઈઝ તૈયાર કરી છે. પોકેટમાં કપૂર, અજમો, લવિંગ, વિક્સ મૂકી કોરોના સહિત વાયરલ સામે રક્ષણ માટેનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કોરોનાની કપરી પરિસ્થિતિમાં તમામ વેપાર ધંધા, વ્યવસાય અને તહેવારો પર વિપરીત અસર પડી રહી છે, ત્યારે આફતને અવસરમાં બદલી કોરોના સામે રક્ષણ આપતા નવતર 3D પોકેટ માસ્ક ભરૂચના ટેલરે બનાવ્યા છે.
કોરોના મહામારીમાં અન્ય વેપાર-ધંધા પણ ઓક્સિજન પર જાણે ચાલી રહ્યાં છે. આ કપરા સમયમાં જૂના ભરૂચમાં ટેલરિંગનો વ્યવસાય કરતા ટેલરે આ આફતને અવસરમાં બદલવા અને લોકોને કોરોના સામે ઢાલ આપવા નવતર 3D માસ્ક તૈયાર કર્યા છે. માસ્ક બનાવનાર ધર્મેશ પરમારે 3D માસ્ક બનાવી પ્રથમ પોતે જ ઉપયોગ કર્યો હતો.
જેમાં ખાસ પોકેટ (ખિસ્સું) પણ બનાવ્યું હતું. પોકેટ બનાવવાનો હેતુ તેમાં લોકો કપૂર, અજમો, લવિંગ, નિલગીરીના તેલ કે વિક્સની પડીકી મૂકી શકે તે હતો. જેથી કરી વાઇરલ ઇન્ફેક્શનથી બચી શકાય, શરદી સામે પણ લોકોને રક્ષણ મળવા સાથે શુદ્ધ હવા મેળવી શકે. નાના બાળકોને શરદી થાય ત્યારે અગાઉ અજમાની પોટલી ગળામાં પહેરાવવામાં આવતી હતી. એ જ આઈડિયા પર પોકેટ 3D માસ્ક બનાવાયા છે. એટલું જ નહીં અલગ વેરાયટી અને સાઈઝ પણ ઉપલબ્ધ કરવાઈ છે. જેમાં બાળકો, મહિલાઓ અને પુરૂષો માટે સાઈઝ પ્રમાણે અલગ અલગ માસ્ક તેઓ બનાવી રહ્યાં છે.