- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 31 ઉમેદવારો મુસ્લિમ
- BTP-AIMIM ગઠબંધનની અસર હોવાની ચર્ચા
- ભાજપ સૌનો સાથ સૌના વિકાસમાં માનતો હોવાનો પ્રમુખનો દાવો
ભરૂચઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં મુસ્લિમ સમાજના 31 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેથી BTP-AIMIM ગઠબંધનની અસર વચ્ચે ભાજપે લઘુમતિ કાર્ડ ખેલ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ભાજપના 31 ઉમેદવારો મુસ્લિમ
ભરૂચ જિલ્લામાં યોજાનારી 9 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં જુના જોગીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. ભાજપે જાહેર કરેલી યાદીમાં મુસ્લિમ સમાજના 31 લોકોને ટિકિટ આપવામાં આવી છે. કુલ 320 ઉમેદવારો પૈકી 31 ઉમેદવારો મુસ્લિમ હોવાથી પક્ષ દ્વારા આ વર્ષે લઘુમતિ કાર્ડ ખેલાયું હોવાનું લાગી રહ્યું છે. જેની પાછળ BTP અને AIMIMનું ગઠબંધન કારણભૂત હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભરૂચમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભા યોજાઇ હતી. જેમાં તેમણે લઘુમતિ અને આદિવાસી સમાજને એક થઈ મત આપવા હાકલ કરી હતી. આ સરને ખાળવા ભાજપ દ્વારા મુસ્લિમ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું માનવમાં આવી રહ્યું છે.
ભાજપ સૌનો સાથ સૌનો વિકાસમાં માને છે
આ અંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયાએ જણાવ્યુ હતું કે, ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને માનવા વાળો પક્ષ છે. બહુમતી હિન્દુ વિસ્તારમાં પણ ભાજપ દ્વારા લઘુમતિને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ તેમણે જણાવ્યુ હતું કે, ગઠબંધનથી કાંઈ ફરક નથી પડતો. કારણ કે, ભાજપના કાર્યકરો 365 દિવસ લોકો વચ્ચે રહે છે.
ભાજપ તમામ સમાજને સાથે રાખીને ચાલે છે
આ અંગે ભાજપના ઉમેદવાર તસ્લીમ ઘડિયાળીએ જણાવ્યુ હતું કે, લોકોને લાગે છે કે ભાજપ હિન્દુવાદી પક્ષ છે, પરંતુ વાસ્તવમાં આ સાચું નથી. ભાજપ દરેક સમાજને સાથે રાખીને ચાલે છે અને અમે ભાજપમાંથી જીત મેળવી લોકોની સેવા કરશું.