- બીટીપીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી AIMIM સાથે ગઠબંધન કર્યું
- ભાજપ કોંગ્રેસના 33-33 ઉમેદવાર, જ્યારે 7 ઉમેદવાર અપક્ષ
- ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીનું ચિત્ર અગાઉથી સ્પષ્ઠ થઈ ગયું
ભરૂચઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ છે ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પર 95 ઉમેદવારો મેદાનમાં છે. ગઈ ટર્મમાં ભરૂચ જિલ્લા પંચાયતનું શાસન ભારતીય ટ્રાયબલ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પાસે હતું. જોકે, રાજસ્થાનના ડુંગરપુરમાં ભાજપ અને કોંગ્રેસે મળી બીટીપીને સત્તાથી દૂર રાખતા બીટીપીએ આ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે ત્યારે આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે.
BTP-AIMIMના ગઠબંધનના 20 ઉમેદવાર આપશે ટક્કર?
BTP-AIMIMના ગઠબંધનના 20 ઉમેદવાર મેદાનમાં છે. બીટીપીએ ટ્રાયબલ વિસ્તારની બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે તો AIMIMએ મુસ્લિમ મતદારો ધરાવતી પાલેજ બેઠક પર એક ઉમેદવાર ઊભો રાખ્યો છે. આ ચૂંટણીમાં ગઠબંધનને કેટલો ફાયદો થાય છે એ જોવાનું રહેશે.
ભાજપને 1 બેઠક બિનહરીફ મળી
આ તરફ ભાજપ અને કોંગ્રેસના 33-33 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપને પહેલાથી જ એક બેઠક બિનહરીફ મળી ગઈ છે. જિલ્લા પંચાયતની હાંસોટ-12 નંબરની બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી પહેલાં જ ભાજપનો એક બેઠક પર વિજય થયો છે તો આમ આદમી પાર્ટીના 2 અને અપક્ષના 7 ઉમેદવારો મેદાનમાં છે.
કયા પક્ષના કેટલા ઉમેદવાર તેની પર નજર કરીએ...
પક્ષ | ઉમેદવાર |
ભાજપ | 33 |
કોંગ્રેસ | 33 |
આમ આદમી પાર્ટી | 02 |
ભારતીય ટ્રાઈબલ પાર્ટી | 19 |
AIMIM | 01 |
અપક્ષ | 07 |