બનાસકાંઠા જિલ્લો રણની કાંધીએ આવેલો હોવાથી વર્ષોથી પાણીની સમસ્યા ભોગવી રહ્યો છે. જેમાં પણ ગત વર્ષે વરસાદ નહિવત પડતા આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉનાળાની સિઝનમાં અનેક ગામડાઓમાં પાણી માટે પોકાર ઉઠી રહ્યા છે. રણ વિસ્તારના ગામોમાં તો પાણીની સમસ્યા કાયમી છે. હવે ધાનેરા તાલુકામાં પણ પાણીની તકલીફ ઊભી થઈ છે.
ધાનેરાના ભાટીબ, રામપુરાછોટા, જડીયા, રવિ સહિતનાં ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. ધાનેરાના રામપુરા છોટા ગામમાં ત્રણ દિવસે એક વખત પાણીનું ટેન્કર આવે છે. બે હજારની વસ્તી ધરાવતા ગામમાં લોકો માટે પાણીનો બોર તો છે પરંતુ બોરમાં મોટર પડી જવાના કારણે ફરીથી બોર શરૂ કરવામાં આવ્યો નથી. જેના કારણે અહીંના લોકોને પાણી માટે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. લોકોને પાણી ભરવા બે ત્રણ કિલોમીટર દુર ખેતરો વિસ્તારમાં જવું પડે છે. જ્યારે ગામમાં પશુધન તરસે મરી રહ્યું છે અને પાણીના ભાવે કેટલીક ગાયોના પણ મોત થયા છે.