બનાસકાંઠા જિલ્લામાં આવેલા કચ્છના નાના રણના ઘુડખર અભયારણ્ય વિસ્તાર છે. જ્યાં સામાન્ય દિવસોમાં ઘુડખર કાળીયાર જંગલી ગધેડા અને નીલગાય જેવા હજારો પ્રાણીઓના ઝુંડ જોવા મળતા હતા. પરંતુ પાણીના અભાવે હાલમાં અભ્યારણ વિસ્તાર સૂમસામ દેખાઇ રહ્યું છે. રાજ્યમાં ભયંકર જળસંકટની પરિસ્થિતિ ઉભી થઈ છે. ગત ચોમાસામાં નહીવત વરસાદને કારણે રાજ્યના અનેક ભાગોમાં દુષ્કાળ ડોકાઈ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં સરહદી વાવ સૂઇગામ અને થરાદ તાલુકાના ગામડાઓમાં લોકો બુંદ-બુંદ પાણી માટે તરસી રહ્યાં છે. ત્યારે પશુઓની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. પાણી વગર હજારો પશુધન મોતના મુખમાં ધકેલાઈ ગયું છે. જેમાં પણ બનાસકાંઠામાં આવેલા રણ વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય સાવ ખાલી થઇ ગયું છે. આ અભ્યારણ્યમાં વનવિભાગ દ્વારા પશુઓને પીવા માટે કેટલી જગ્યાએ પાણીના હવાડા બનાવાયા છે. પરંતુ તેમાં પાણી નાંખવામાં આવતું નથી.
અભ્યારણ્યમાં રહેતા ઘુડખર, કાળિયાર, જંગલી ગધેડા, નીલગાય સહિતના પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે. સામાન્ય દિવસે અભ્યારણ્યમાં અનેક જગ્યાએ આ પશુઓના ટોળેટોળા જોવા મળતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી ન હોવાથી હાલમાં આ પશુઓ દૂર-દૂર ચાલ્યા જતા અભયારણ્ય ખાલી થઈ ગયું છે.
બનાસકાંઠાના રણ વિસ્તારમાં આવેલા અભયારણ્યમાં 230 જેટલા ઘુડખર, 360 કાળિયાર, 270 જેટલા જંગલી ગધેડા તેમજ 650 જેટલી નીલગાયોનો વસવાટ છે. આ ઉપરાંત સ્થાનિક માલધારીઓની ગાયો તેમજ ઘેટા-બકરા પણ અભયારણ્યમાં ચરવા માટે વિચારતા હોય છે. પરંતુ હાલમાં અભયારણ્યમાં ક્યાંય પીવાનું પાણી ન હોવાથી અભ્યારણ્ય સાવ ખાલી થઇ ગયું છે. તંત્ર દ્વારા પીવાના પાણીના હવાડા બનાવાયા છે પરંતુ તેમાં પાણી નાખવામાં આવતું નથી. જો કે વન વિભાગ ટેન્કરો દ્વારા આ હવાડા ભરવા આવતા હોવાનું જણાવે છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ જુદી છે.