- બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા
- ખેડૂતોને પાણી મળી રહે તે માટે પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ
- પાઇપ લાઈન શરૂ થતાં ભાભરના 15 ગામોમાં પાણીની સમસ્યા દૂર થશે
- ભાભર પંથકમાં હાલ પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા જતા રહ્યા છે
- નવી પાણીની પાઇપ લાઈન નાખતા ખેડૂતોમાં ખુશી જોવા મળી
બનાસકાંઠાઃ જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. સરહદી વિસ્તારમાં આજેપણ પાણીની વિકટ સમસ્યા જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે. અંતરિયાળ અને સરહદી વિસ્તારના ખેડૂતોનો મુખ્ય વ્યવસાય ખેતી છે પરંતુ ઉનાળામાં પાણીની તીવ્ર અછત અને દિવસે દિવસે પાણીના તળ ઉંડા જતા પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. ભાભર તાલુકામાં પણ છેલ્લા સાત-આઠ વર્ષથી 1000 ફૂટથી પણ વધુ પાણીના તળ ઉંડા જતા રહેતા ખેડૂતોને સિંચાઈ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. બીજી તરફ લોકોને પીવાના પાણી માટે પણ કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે.

આ પણ વાંચોઃ પાણી વગર વલખા મારતો બનાસકાંઠાનો સરહદી વિસ્તાર
ભાભરમાં 8 કરોડના ખર્ચે સાડા ત્રણ કિલોમીટર લાંબી પાઈપલાઈન નાંખવાની શરૂઆત થઇ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભરમાં છેલ્લાં ઘણા સમયથી પીવા અને ખેતી કરવા માટે ખેડૂતોને પાણીની ગંભીર સમસ્યા સર્જાતી હતી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણી માટે લોકો ગંભીર સમસ્યાનો સામનો કરતા હતા અને પીવાના પાણી માટે તો લોકોને દુરદુર સુધી જવું પડતું હતું. જે બાબત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ધ્યાને આવતાં તેમણે વારંવાર સરકારમાં રજૂઆત કરી અહીંના ખેડૂતોની પાણીની સમસ્યા હલ કરવા માટેની ગ્રાન્ટ મંજૂર કરાવી છે. જે યોજના મુજબ નર્મદાની મુખ્ય કેનાલમાંથી ભાભર ડિસ્ટ્રિક્ટ કેનાલ સુધી અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, 8 કરોડ રૂપિયાના ખર્ચે સાડા ત્રણ કિલોમીટર લાંબી પાઈપ લાઈન નાખવાનું કામકાજ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ ભાવનગરના છેવાડાના ભળેલા નારી અને અકવાડા ગામમાં પાણીની સમસ્યા
નવી પાઇપ લાઇન નાંખવાની કામગીરી હાથ ધરાઇ
ભાભરમાં પાણીની સમસ્યા દૂર થાય તે માટે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા આજે રવિવારે નવી પાઈપ લાઈનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. આ પાઈપલાઈન દ્વારા 15થી પણ વધુ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે, ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ કામનું જાત નિરીક્ષણ કર્યું હતું. ભાભર ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા સર્જાતી હતી પરંતુ આજે રવિવારે નર્મદા નહેરમાંથી પાણી આપવા માટે કરોડોના ખર્ચે નવી પાઈપ લાઈનનું કામકાજ શરૂ થતાં ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો હતો. આ પાઈપલાઈન દ્વારા આવનારા સમયમાં મોટાભાગના ગામોને પીવા માટે અને ખેતી કરવા માટે પાણી મળી રહેશે.

પાણીની સમસ્યા મુદ્દે વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવીઃ ગેનીબેન ઠાકોર
આ અંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા ભાભરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા સર્જાતી હતી. જે બાબતે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી આ બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવતા સરકારે આ ગ્રાન્ટને મંજૂરી આપી હતી. છેલ્લાં ઘણા સમયથી 15 ગામના લોકો પાણી વગર હેરાન થઈ રહ્યા હતા ત્યારે સરકાર દ્વારા આ પાઇપ લાઈનનું કામકાજ શરૂ થતાં મારુ આ સ્વપ્ન આજે રવિવારે પૂરું થયું છે.
નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાઇપલાન મારફત ખેડૂતોને પાણી આપવામાં આવશે
ભાભર પંથકમાં અત્યારે પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા જતા રહ્યા છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હવે સરકાર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવશે. ભાભરના મીઠા, કુંવાળા, બરવાલ ભીમબોરડી, કારેલા, નેસડા, ખારા સહિત આજુબાજુના 15 જેટલા ગામના ચાર હજારથી પણ વધુ ખેડૂતોને સિંચાઇ માટે આસાનીથી પાણી મળી રહેશે અને આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ પણ જળવાઈ રહેશે, અત્યારે આ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, જે બે મહિનામાં જ પૂર્ણ થશે. ગેનીબેન ઠાકોરના અથાગ પ્રયાસ બાદ આ કામ શરૂ થતાં અહીંના ખેડૂતોએ પણ ધારાસભ્ય સહિત સરકારનો આભાર માન્યો છે.
ભાભરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા હતીઃ ખેડૂત
આ અંગે ભાભરના ખેડૂત અમરત ઠાકોરે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાભરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા હતી, જે બાબતે સરકાર સમક્ષ તેમના દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. તેમની રજૂઆતોને ધ્યાને રાખી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તેમને પાણીની સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે પાણીની પાઇપ લાઇન નાખવાની શરૂઆત કરી છે. જેથી આવનારા સમયમાં કાયમી પાણીની સમસ્યાનો નિકાલ આવશે. આ પાઈપલાઈન નાખવાથી સરકારનો ખેડૂતોએ આભાર માન્યો હતો.
કામકાજ બે મહિના સુધી ચાલશેઃ પ્રોજેકટ મેનેજર
આ અંગે પ્રોજેકટ મેનેજર સંજય ગજ્જરે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હાલમાં તેમના દ્વારા નર્મદાના પાણીની પાઈપ લાઈનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અને આ કામકાજ બે મહિના સુધી ચાલશે અને બે મહિના બાદ તમામ પાઈપ લાઈનનું કામકાજ પૂર્ણ થઇ જશે અને આ કામકાજ પૂર્ણ થતાની સાથે જ ભાભરના 15 ગામોને પાણી મળી રહેશે. જેનાથી આવનારા સમયમાં પાણીની સમસ્યા દૂર થશે.