બનાસકાંઠાઃ ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની કિલ્લતનો સામનો કરતો આવ્યો છે. તેમાંય સરહદી વિસ્તારમાં તો વળી દર વર્ષે ઉનાળાની સાથે જ પાણીની વિકટ સમસ્યા શરૂ થઈ જાય છે. લોકોને ઘર વપરાશનું પાણી તો ઠીક પરંતુ પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. તેમના વાસવાટથી દુર આવેલી પાઇપલાઇન લીકેજ હોવને કારણે પાણીનું ખાબોચિયું ભરાય છે. જેમાંથી લોકો આ ખાબોચિયામાંથી પીવાનું પાણી ભરે છે. દિવસ દરમિયાન અનેક પશુઓ આ ખાબોચિયોનું પાણી પીતા હોય છે.
આવા સમયે વાવ તાલુકાના ટડાવ પાસે વસવાટ કરતા 17 જેટલા વાદી પરિવારો પીવાનું પાણી ન મળતા આખરે ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. આ સ્થિતિ આજની નહીં પરંતુ છેલ્લા કેટલાય સમયથી આટલું ગંદુ પાણી પીવું પડી રહ્યું છે. અહીં વિચરતી જાતિના 17 જેટલા પરિવારો અંતરિયાળ વિસ્તારમાં રહે છે. ગ્રામીણ વિસ્તારથી દુર અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોવાના કારણે તેઓને પાણી મળી શકતું નથી. આ માટે આ લોકોએ અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા પીવાના પાણીની કોઇ જ વ્યવસ્થા કરાઈ નથી.
વિચરતી જ્ઞાતિના લોકો હોવાના કારણે ન તો તેમની પાસે રહેવા માટે ઘર છે, ન ધંધો-રોજગાર કે ન કોઈ રહેઠાણની કાયમી વ્યવસ્થા. જેના કારણે અહીંથી તઈ ભટકતું જીવન ગાળતાં 17 જેટલા પરિવારોને રોજે રોજ પીવાનું પાણી મેળવવા કોષો દૂર જવું પડે છે. દૂર સુધી જે પાણી ભરવા જાય છે તે પાણી જોતા જ ઉબકા આવવા લાગે તેટલુ ગંદુ પાણી આ લોકો રોજ પી રહ્યા છે.
આ પરિવારો તેમના વાસવાટથી દુર આવેલી પાઇપલાઇન લીકેજ થતા ત્યાં પાણીનું ખાબોચિયું ભરાય છે અને ત્યાંથી આ લોકો ખાબોચિયામાંથી પીવાનું પાણી ભરે છે. દિવસ દરમિયાન અહીં અનેક પશુઓ પણ પાણી પીતા હોય છે. તે જ ગંદુ પાણી આ લોકો પીવા માટે ભરતા હોવાનું જણાવી રહ્યા છે . જો કે, આ મામલે પાણી પુરવઠા અધિકારી ગૌરાંગભાઈ રાણાએ જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરાવ્યા બાદ અમે પાણીની વ્યવસ્થા કરીશુ.
ઉલ્લેખનીય છે કે, એક તરફ સરકાર છેવાડાના માનવી સુધીના વિકાસ વાતો તો કરે છે, પણ આ જ વાતોને પોકળ સાબિત કરતી આ ઘટના પણ સામે આવી છે ત્યારે હવે આ સમસ્યા જોયા બાદ પણ 17 પરિવારોને પીવાલાયક પાણી પહોંચાડે છે કે કેમ તે જોવું રહ્યું.