બનાસકાંઠાઃ ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા સમગ્ર રાજ્યમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાવવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. તેમ છતાં ટ્રસ્ટે આ પ્રસાદ શરૂ ન કરતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ અંબાજીમાં ખોડિયાર ચોક ખાતે ધરણા કર્યા હતા. આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી અશોક રાવલે મંદિરમાં માતાજીના દર્શન કરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરાવવા માતાજીને પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચોઃ Ambaji Temple : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતાં વિશ્વ હિન્દુ પરિષદ લાલઘૂમ, આવેદનપત્ર આપી ઉચ્ચારી ચીમકી
મોહનથાળનો પ્રસાદ બંધ ન કરી શકાયઃ ત્યારબાદ તેઓ પોતે ધરણા પર બેઠા હતા. તેમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓએ વિવિધ બેનરો સાથે પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે અશોક રાવલે જણાવ્યું હતું કે, મંદિરમાં કોઈ પણ પ્રસાદ ધરાવી શકાય પણ વર્ષોની પરંપરા મુજબ ધરાવાતો મોહનથાળનો રાજભોગ બંધ ન જ કરી શકાય.
મોહનથાળની જગ્યાએ ચિકીનો પ્રસાદઃ શ્રદ્ધાળુઓની આસ્થા સ્વરૂપ અને અંબાજી મંદિરની ઓળખ સમાન મોહનથાળનો પ્રસાદ જગજાહેર છે, જ્યાં મોહનથાળ પ્રસાદ સ્વરૂપે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે શ્રાવણ માસમાં ફરાળી પ્રસાદ તરીકે અંબાજી મંદિરમાં પ્રવેશ થયેલી ચિકીને કાયમી ધોરણે મોહનથાળનું સ્થાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. તેને લઈ મોહનથાળ બનાવવાનો તેમ જ માતાજીને ધરાવાનો બંધ કરી દેવાતા શ્રદ્ધાળુઓમાં કચવચાટની લાગણી જોવા મળી રહી છે.
વર્ષો જૂની પરંપરા બંધઃ અંબાજી મંદિરમાં વહેંચાતો મોહનથાળનો પ્રસાદ વર્ષો જૂની પરંપરા છે. ને મોહનથાળ એ શુદ્ધ ઘીમાંથી બનેલો પ્રસાદ માતાજીને ધરાવાતો હતો. ત્યારબાદ યાત્રિકો તેને ખરીદતા હતા, પરંતુ હવે મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. એટલે મોહનથાળના પ્રસાદને ફરી શરૂ કરાવવા વિશ્વ હિન્દુ પરિષદે અલ્ટિમેટમ આપ્યું હતું. જોકે, તેમ છતાં પ્રસાદ શરૂ ન થતાં તેમના કાર્યકર્તાઓએ મંદિરમાં ધરણા પ્રદર્શન કર્યું હતું.