- બનાસકાંઠા જિલ્લો ખેતી સાથે પશુપાલન તરફ વળ્યો
- પશુપાલન ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો કરી રહ્યા છે કરોડોની કમાણી
- 2021માં પણ દૂધ ભરાવવામાં વડગામના નવલબેનનો પ્રથમ નંબર
- વાર્ષિક 1 કરોડથી વધુ રૂપિયાનું ડેરીમાં દૂધ ભરાવે છે
બનાસકાંઠાઃ જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નાની-મોટી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા જે બાદ સમય બદલાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં થોડા ઘણા પશુઓ લાવી નાની કમાણી કરતા હતા. ત્યાર બાદ જિલ્લાના ખેડૂતો પોતાના પશુઓનું દૂધ ડેરીમાં ભરાવી સારી કમાણી કરી શકે તે માટે બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી (Banas Dairy)ની સ્થાપના કરવામાં આવે જેથી બનાસકાંઠા જિલ્લામાં ખેતીની સાથોસાથ ખેડૂતો પશુપાલન સાથે જોડાયા અને આજે એશિયાની નંબર વન બનાસ ડેરી (Banas Dairy)ની સ્થાપના બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે અને તેમાંય વળી હવે ખેડૂતો દૂધમાં સારી આવક થતા ખેતી છોડી પશુપાલન તરફ ફર્યા છે, જેથી હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન માંથી લાખો અને કરોડો રૂપિયાની કમાણી પશુપાલન માટે કરી રહ્યા છે.
![બનાસકાંઠા જિલ્લો ખેતી સાથે પશુપાલન તરફ વળ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12555388_mahilaaward_b_gj10014.jpg)
ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 પશુપાલક મહિલાઓનું સન્માન
બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન બનાસ ડેરી (Banas Dairy)ની સ્થાપના કરવામાં આવી છે. ખેતીમાં થતાં નુકસાનના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન તરફ વળ્યા છે. દર વર્ષે જિલ્લામાં આવેલી બનાસ ડેરી (Banas Dairy)માં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકનું ડેરી દ્વારા સન્માન કરવામાં આવે છે. આ સન્માન થતા દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અનેક પશુપાલકોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ એશિયાની સૌથી મોટી બનાસ ડેરી (Banas Dairy)ની સાધારણ સભામાં ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનારા 10 પશુપાલક મહિલાઓનું બનાસ ડેરીના (Banas Dairy) ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
![2021માં પણ દૂધ ભરાવવામાં વડગામના નવલબેનનો પ્રથમ નંબર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12555388_mahilaaward_c_gj10014.jpg)
આ પણ વાંચો- બનાસકાંઠામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઝુંબેશ શરૂ કરાઇ
1 વર્ષમાં 1 કરોડનું દૂધ ભરાવ્યું
બનાસકાંઠા જિલ્લામાં નિરક્ષર કે સામાન્ય અભ્યાસ બાદ પશુપાલન વ્યવસાયમાં આ મહિલા વર્ષે લાખ્ખો નહીં પરંતુ એક એક કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ મહિલાનું નામ નવલબેન ચૌધરી છે. વડગામ તાલુકાના નગાણા ગામે રહેતા નવલબેન ચૌધરી જેમણે ગત વર્ષે બનાસ ડેરી (Banas Dairy)માં સૌથી વધુ ધરાવનાર પ્રથમ મહિલા તરીકેનો ખિતાબ મેળવ્યો છે. જેથી બનાસ ડેરી (Banas Dairy)દ્વારા તેઓને 25,000 રૂપિયાનું રોકડ તેમ જ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી તરીકેનો એવોર્ડ પણ આપ્યો છે. અત્યારે આ નવલબેનની ઉંમર 62 વર્ષ છે, પરંતુ આજે પણ તેઓ સવારે 5 વાગ્યે ઉઠીને તેમના તબેલામાં પહોંચી જાય છે. અને પછી શરૂ થાય છે તેમનો આ પશુપાલનનો બિઝનેસ. આ વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખૂબ સરસ વિકસાવ્યો છે. થોડાક વર્ષો પહેલાં માત્ર 8-10 પશુઓ રાખતા નવલબેન આજે 250 જેટલા પશુઓ રાખે છે . તેઓ રોજનું અત્યારે 1,000 લિટર અને શિયાળાની સીઝનમાં 1,200 લિટર દૂધ બનાસ ડેરી (Banas Dairy)ની દૂધ મંડળીમાં ભરાવે છે અને મહિને રૂ. 8થી 9 લાખ રૂપિયાની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે. દૂધના ધંધામાંથી પણ આટલી સારી આવક મેળવી શકાય તે વાત સૌના માટે સુખદ આશ્વર્ય અને અભ્યાસનો વિષય છે.
![2021માં પણ દૂધ ભરાવવામાં વડગામના નવલબેનનો પ્રથમ નંબર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12555388_mahilaaward_a_gj10014.jpg)
આ પણ વાંચો- બનાસ ડેરીનો નવતર પ્રયોગ, પશુઓની સારવાર માટે મોબાઈલ એપ શરૂ કરી
પશુપાલનમાં 15 લોકો કામ કરે છે
તેમના ખેતરમાં પશુઓ માટે પાકો શેડ બનાવવામાં આવ્યો છે અને પશુઓ શેડમાં 24 કલાક ખૂલ્લા રહે છે. પશુઓને પીવા માટે શુદ્ધ પાણી અને ખોરાક માટે હેડ લોક પાકી ગમાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાકી ગમાણના લીધે ખોરાકનો બગાડ થતો નથી. દરરોજ સવારે 9 વાગ્યે પશુઓને પ્રેશર ફૂવારાથી નવડાવવામાં આવે છે અને તેમને ખૂલ્લા વાડામાં રાખવામાં આવે છે. તે દરમિયાન શેડની સાફસફાઇ કરવામાં આવે છે. પશુઓને દરરોજ લીલો ઘાસચારો મળી રહે તે માટે 5 એકર જમીનમાં લીલું ઘાસ વાવવામાં આવે છે. આટલા બધા પશુઓને એક સાથે દોહવા માટે 12થી 15 લોકોનો સ્ટાફ પણ રાખ્યો છે.
બનાસ ડેરીનો (Banas Dairy) ખિતાબ બનાસકાંઠા જિલ્લાના નામે
દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરી (Banas Dairy) દ્વારા એશિયામાંથી સૌથી વધુ ડેરીમાં દૂધ ભરાવનારા પશુપાલકનું સન્માન કરવામાં આવે છે. બનાસ ડેરીનું સફળ સંચાલન અને નારી શક્તિઓના સથવારે બનાસ ડેરી ઘણા વર્ષોથી સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં પ્રથમ નંબરે રહી છે અને પ્રથમ નંબરનું ટાઇટલ જાળવી રાખવામાં ગામડાની નિરક્ષર મહિલાઓનો ફાળો સવિશેષ રહ્યો છે.