બનાસકાંઠાઃ ગત 4 માસથી સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે દેશવાસીઓ આ મહામારીમાંથી બહાર આવે તે માટે વિવિધ જગ્યાએ પૂજા અર્ચના સાથે પ્રાર્થના પણ થઈ રહીં છે. ડીસાના યુવા બિલ્ડર પી.એન.માળીએ દેશને આ મહામારીમાંથી બહાર લાવવા માટે પોતાના ફાર્મ પર શિવપૂજા શરૂ કરી છે. પી.એન.માળી મૂળ જિલ્લાના રાણપુર ગામના વતની છે અને રસાણા ગામે આવેલા તેમના ફાર્મ પર પંદર બ્રાહ્મણો દ્વારા એક મહિના સુધી સવા લાખ શિવલિંગ બનાવવાનો તેમણે નિર્ધાર કર્યો છે.
આ બનાવેલા સવા લાખ શિવલિંગને બિલીપત્ર અર્પણ કરી, સવા લાખ જાપ અને રોજે-રોજ આહુતિ આપવામાં આવી રહીં છે. હાલ હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જેથી આ સમયે શિવ પૂજાનો મહિમા વધુ હોય છે, ત્યારે આ ધર્મનું રક્ષણ સાથે-સાથે કોરોના મહામારીમાંથી દેશ બહાર આવે તે હેતુથી યુવા બિલ્ડર પોતાના પરિવાર, ગ્રામજનો, મિત્રો વગેરે સાથે શિવપૂજા યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. આ અંગે યુવા બિલ્ડરે જણાવ્યું હતું કે, દેશ પર આવી પડેલી કોરોના મહામારીથી દેશ મુક્ત થાય તે હેતુથી આ શિવપૂજા પવિત્ર શ્રાવણ માસમાં કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન સમય દરમિયાન પણ પી.એન.માળીએ જરૂરિયાતમંદ લોકોને 50 હજાર કીટનું વિતરણ કર્યું હતું, જ્યારે હવે પવિત્ર શ્રાવણ માસમાં પણ આ બિલ્ડર શિવપૂજા કરાવી રહ્યા છે. જેમાં પંદર બ્રાહ્મણો દ્વારા રોજ દિવસની 12 કલાક પૂજા કરવામાં આવી રહી છે. જેથી આ પૂજા વિશેષ મહત્વ ધરાવે છે.