બનાસકાંઠા : હાલમાં ડીસા શહેરમાં લગ્નની મોસમ ચાલી રહી છે. લોકો પોતાના પરિવાર અને સગા સંબંધીઓને ત્યાં લગ્ન પ્રસંગે જતા હોય છે. ત્યારે લગ્ન પ્રસંગનો લાભ લઇ તસ્કરો હાલમાં બેફામ બન્યા છે. એક પછી એક ચોરીની મોટી મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ખાસ કરીને ડીસા શહેરમાં બે દિવસમાં એકજ વિસ્તારમાં બે અલગ અલગ ચોરીની ઘટના બનતા આ વિસ્તારના લોકો ચોરોથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
બે દિવસ અગાઉ ડીસાના તેરમીનાળા વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી. જે ઘટના બાદ ગત મોડીરાત્રે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ડીસાના મારવાડી મોચી વાસ વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઇ ખત્રી પોતાની બહેનના ઘરે લગ્ન પ્રસંગ હોય તેઓ તેમના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. તેનો લાભ લઈ ચોરો મોડી રાત્રે બે વાગ્યા પછી ઈશ્વરભાઈ ના મકાનમાં પ્રવેશ કર્યો હતો. તેમજ તેમના ઘરમાં પડેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત બે લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની જાણ સવારે આજુબાજુના લોકોને થતા તેઓએ તાત્કાલિક મકાન માલિકને જાણ કરી હતી.
જે બાદ મકાનમાલિકે તાત્કાલિક ધોરણે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ચોરીની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં લગ્નની મોસમ ચાલતી હોવાને કારણે ચોરો બેફામ બન્યા છે. એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જેના કારણે હાલમાં લોકો લગ્ન પ્રસંગે જતા પણ ડરી રહ્યા છે. અને પોતે સુરક્ષિત રહે તે માટે પોલીસ રાત્રી સમયે પેટ્રોલિંગ વધારે તેવી હાલ લોકોની માગ છે.