બનાસકાંઠાઃ ડીસાના ગુલબાણીનગરની ગંદકીની સમસ્યા વધુ વિકટ બનતી જાય છે, ત્યારે આ મામલે આજે ફરી ગરમાવો સર્જાતાં પાલિકાની ટીમ ગુલબાણીનગર દોડી ગઈ હતી.
સત્તા કેન્દ્રોને ઉત્તરદાયી બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારની કડકાઈ વચ્ચે પણ ઘણા સ્થળે યક્ષ પ્રશ્નોના નિરાકરણમાં જે તે સત્તાકેન્દ્રો આંખ મીંચી તમાશો નિહાળતા હોવાના આક્ષેપો પણ થતા રહે છે. ડીસાના ગુલબાનગરને નર્ક નગર બનાવી રહેલી ગંદકીની સમસ્યા સામે વર્ષોથી આંખ આડા કાન કરી રહેલી ડીસા નગરપાલિકા પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના દાવાઓ પર ગંદુ પાણી ફેરવી રહી છે. ગંદા પાણીની દુર્ગંધથી ગુલબાણીનગરમાંથી પસાર થયાની પ્રતીતિ થઈ જાય એટલી હદે આ પ્રશ્ન જટિલ બની ગયો છે.
આ મામલે સ્થાનિક રહીશોની સમસ્યા કોઈ સાંભળતુ ન હોવાની વાતો હવે નવી રહી નથી. આવી સ્થિતિમાં આજે આ સમસ્યાનો નિકાલ કરવા ગંદા પાણીના વહેણ માટે નંખાયેલા નાળા ઉખાડવાનું કૃત્ય આચરાતા સ્થાનિક રહીશોએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. જે વખતે કેટલાક શખ્સોએ આ વિસ્તારના એક યુવાન પર હુમલો કરી સોનાની ચેઇન લૂંટી લીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યા છે. આ વિસ્તારની દુર્દશા માટે જવાબદાર હોવાનો દાવો કરી આ વિસ્તારના કોર્પોરેટરોની નિષ્ક્રિયતા સામે પણ રોષ ઠાલવ્યો હતો.