બનાસકાંઠાઃ જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે બનાસકાંઠામાં અનેક નદીઓ વહેતી થઈ છે. જેના કારણે હાલ જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે અનેક નદીઓ રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં આવે છે. ચાલુ વર્ષે રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લામાં નહિંવત વરસાદ થવાના કારણે ખેડૂતોમાં મોટી ચિંતા ઉભી થઈ હતી, ત્યારે છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં પડી રહેલા વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાની અનેક નદીઓ જીવિત બની છે. બનાસકાંઠા જિલ્લાના પહાડી વિસ્તારમાં આવેલી નાની-મોટી અનેક નદીઓ વરસાદી પાણી આવતા વહેતી થઈ છે. જેના કારણે જિલ્લા ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના પહાડી વિસ્તાર અને ચારે બાજુ હરિયાળી ધરાવતા દાંતા તાલુકાના સનાલી ગામમાંથી પસાર થતી કીડીમકોડી નદીમાં હાલ નવા નીર આવતા ગામલોકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આ નદીમાં નવા નીર આવ્યા હતા. ચાલુ વર્ષે દાંતા વિસ્તારમાં નહિંવત વરસાદ થતાં આ વિસ્તારમાં આવેલી તમામ નદીઓ કોરિધાકોર પડી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં નદીના પાણીના આધારે જીવતા ખેડૂતો અને લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ અચાનક ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે હાલ સનાલી ગામમાં પસાર થતી કીડીમકોડી નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.