પોલીસનું મુખ્ય કામ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું, અને નગરજનોને સુરક્ષા પૂરી પાડવાનું, પરંતુ ડીસામાં પોલીસ અત્યારે આ બંને તબક્કામાં નિષ્ફળ નીવડી રહી છે. ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં એક ઘટના બની છે. જેમાં ડીસા શહેર ઉત્તર પોલીસ મથકની હદમાં આવતા આ વિસ્તારમાં શનિવારના રોજ સવારના સમયે એક વયોવૃધ્ધ પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ આ વયોવૃધ્ધના ગળામાથી સોનાના દોરાની ચીલઝડપ કરીને નાસી ગયો હતો. ચીલઝડપની આ ઘટનામાં વૃધ્ધને પણ ઇજાઓ પહોંચી હતી.
આ ઘટના બન્યા બાદ જ્યારે ભોગ બનનાર વૃધ્ધના પરિવારજનો ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ફરિયાદ આપવા પહોંચ્યા ત્યારે પોલીસે ફરિયાદ લેવાના બદલે માત્ર અરજી લઈને ભોગ બનનારને રવાના કરી દીધા હતા. અત્યારે હાલ આ વૃધ્ધની હાલત એકદમ નાજુક છે.
પોલીસ એક તરફ સામાન્ય નાગરિકોને પ્રતાડિત કરી રહી છે, અને કાયદા સમજાવી રહી છે તો બીજી તરફ શહેરમાં આવા અસમાજિક તત્વોને છાવરતી હોય તેમ આવા તત્વો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આવા તત્વોની હિંમત પણ વધી રહી છે. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ શું માત્ર નગરના સજજનોને જ હેરાન કરવાની ફરજ અદા કરી રહી છે..!