ડીસા તાલુકાના બુરાલ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ઠાકોર સમાજના લોકો વસવાટ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે હાલ ઠાકોર સમાજના લોકો હાલમાં મુશ્કેલીમાં છે. તેઓનું માનવું છે કે, આ ગામમાં જ્યાં તેઓ વસવાટ કરે છે. તે જમીન ચૌધરી સમાજના લોકો તેમની રાજકીય વગના લીધે પચાવી પાડવાનો કારશો રચી રહ્યા છે અને તાજેતરમાં જ તેમની માલિકીની જગ્યા પર ડીસાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી દ્વારા JCB મશીન સાથે કોઈપણ જાતની પૂર્વ નોટિસ આપ્યા વગર દબાણ દૂર કરવા પહોંચી ગયા હતા. જ્યાં દબાણ તોડવાની કામગીરી શરૂ કરતાં અહીંના લોકોનો ઘર વખરીનો સામાન ટ્રેક્ટરમાં ભરીને લઇ જતા બુરાલ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.
આ અંગે સ્થાનિક લોકોએ કોર્ટમાં પણ અરજી દાખલ કરીને કાયમી અને હંગામી મનાઈ હુકમ મેળવવા માટે દાવો દાખલ કારેલો છે. આ જમીનની મેટર જયુડિસ હોવા છતાં તંત્ર અને ચૌધરી સમાજના લોકો તેમની રાજકીય વગનો ઉપયોગ કરી તેમની માલિકીની જગ્યા ખાલી કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે આ ગામના લોકોએ ડીસાના નાયબ કલેક્ટરને આ બાબતે આવેદન પત્ર આપી તેમની જમીનો અને તેમની પોતાની રક્ષા કરવાની માગ કરી હતી.
ગ્રામજનોના જણાવ્યાં અનુસાર બુરાલ ગામમાં આવેલી જમીન તેમની માલિકીની જમીન છે. આ ઉપરાંત આ જમીન પરથી દબાણો હટાવવા માટે કોર્ટમાંથી મનાઇ હુકમ મેળવવામાં આવ્યો હોવા છતાં તેમની જમીન પર દબાણો તોડવામાં આવ્યા હતાં, ત્યારે હવે બુરાલ ગામના લોકોની કહેવું છે કે, તાત્કાલિક આ જમીનની તપાસ કરવામાં આવે અને જે પણ માલિક છે. તેમને સાચો હક આપવામાં આવે.