બનાસકાંઠા જિલ્લામાં શાળાને તાળાં મારી દઇ વિરોધ દર્શાવવાની પરંપરા ચાલુ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. અઠવાડિયા અગાઉ જ શિક્ષકો અનિયમિત આવવા મામલે દિયોદરની એક શાળાને વાલીઓએ તાળું મારી દીધું હતું.
ત્યારબાદ આજે કાંકરેજ તાલુકાની ખોડા પ્રાથમિક શાળામાં આચાર્ય જગમાલભાઈ જોશી અને શિક્ષક દસરથભાઈ ચૌધરી અવારનવાર શાળામાં ઝઘડતા હતા અને અઠવાડિયા અગાઉ તો આ ઝઘડો એટલી હદે પહોંચ્યો કે, બંને શિક્ષકોએ મારામારી કરતા ફરિયાદ નોંધાવવી પડી હતી.
જો કે, આ બનાવના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ વિપરીત અસર પડી રહી છે. જે મામલે ગામના જાગૃત નાગરિકો અને વાલીઓએ અવારનવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી અને લેખિત રજૂઆત કરી બંને શિક્ષકોની બદલી કરવા માટે જાણ કરી હતી. પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બંને ઝઘડાખોર શિક્ષકો સામે કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે કંટાળેલા વાલીઓનું ટોળુ આજે ચાલુ શાળામાં ઘસી આવ્યું હતું અને વિદ્યાર્થીઓને શાળામાંથી છોડી મૂકી તાળું મારી દીધું હતું. એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી આ બન્ને શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તાળું નહીં ખૂલે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ મામલે હાલમાં શાળાના ઈન્ચાર્જ આચાર્ય દેવજીભાઈ પટેલે પણ બંને શિક્ષકો શાળામાં અવારનવાર ઝઘડતા હતા. તેના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડતી હોવાની વાતને સ્વીકારી હતી.