- દિયોદર 2 મહિના પહેલા યુવાને કરી હતી આત્મહત્યા
- યુવાન અને તેનો પરિવાર પાકિસ્તાની યાત્રી વીજા લઈ દિયોદરમાં રહેતા હતા
- આ અંગે પોલીસને જાણ થતાં દફનવિધિના 80 દિવસ બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
- મૃતક યુવનની પાકિસ્તાનમાં થઈ હતી સગાઈ
- પરિવારે ભારતમાં રહેવા માટે ગૃહપ્રધાનને કરી હતી અરજી
દિયોદરઃ દિયોદર તાલુકાના કોટડા(દી) ગામે રહેતો સંતરામભાઈ રામસીભાઈ કોળી મૂળ કુબા તા.ટડાલિયા જિલ્લો મીરપુર (પાકિસ્તાન)નો વતની છે. જે 2018 માં યાત્રી વિજા લઈ ભારત આવ્યો હતો અને કોટડા દિયોદર ગામે રહી મજૂરી કરતો હતો. જે યુવાને લગ્ન કરવા પાકિસ્તાન જવાનું પરિવારજનોને જણાવતા પરિવારજનો દ્વારા હાલ લગ્ન કરવા ના પાડતા યુવાને 27 સપ્ટેમ્બરના રોજ કોટડા (દિ) ગામે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે દિયોદર પોલીસને થતા દિયોદર પોલીસે પરિવારજનોને પોલીસ મથક ખાતે બોલાવી પૂછપરછ દરમિયાન સમગ્ર હકીકત બહાર આવી હતી. જેમાં દિયોદર પીએસઆઈ, એસ. જે. પરમાર દિયોદર પોલીસ ટિમ સાથે રાધનપુર મામલતદારને સાથે રાખી 80 દિવસ બાદ દફનવિધિ કરેલા મૃતદેહને બહાર કાઢી, રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2018 માં મૃતક યુવાનના પરિવારજનો યાત્રી વિજા લઈ ભારત આવ્યા હતા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિયોદર પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક સંતરામભાઈ કોળી તેમની બે બહેન અને ત્રણ ભાઈ તેમજ માતા પિતા સાથે પાકિસ્તાનથી યાત્રી વિજા લઈ ભારત આવ્યા હતા અને ઘણા સમયથી દિયોદરના કોટડા(દી) ગામે રહેતા હતા. જે યુવાનને લગ્ન કરવાની ના પાડતા આપઘાતનું પગલું ભર્યું હતું.
મૃતક યુવાનની સગાઈ પાકિસ્તાનમાં થઈ હતી
મૃતક સંતરામભાઈ કોળી લગ્ન કરવા પરિવારજનોને જણાવતો હતો. પરંતુ પરિવારજનોએ એક વર્ષ પછી પાકિસ્તાન જઇ લગ્ન કરવાનું કહેતા તે યુવાને આત્મહત્યા કરી લીધી હતી. પાકિસ્તાનમાં મૃતક યુવાનની સગાઈ થઈ ગઈ હોવાથી તે પાકિસ્તાન જવા ઈચ્છતો હતો.