બનાસકાંઠાઃ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વર્ષે કરોડો રૂપિયાની આવક દાન દક્ષિણામાં ભેટ દ્વારા થાય છે, જોકે સામે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરાઇ છે, પરંતું આ ખર્ચ માત્ર મંદિરના વિકાસમાં જ નહીં પણ અંબાજી આવતા યાત્રિકોની સુખ સુવિધા માટે કરાય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અંબાજી શહેરના વિકાસ માટે પણ પોતાનો ફાળો આપે છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી અને દાંતા તાલુકા સહીતના આદિવાસી અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરીય શિક્ષણ પણ પૂરું પાડે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આવા વિદ્યાર્થીઓ માટે આર્ટસ, કોમર્સ સહીત બીસીએ કોલેજ, ધોરણ 11 અને 12 સાઇન્સ સ્કૂલ, પંડિત બનવા માંગતા બ્રાહ્મણના દીકરાઓ માટે આચાર્ય સુધીનું શિક્ષણ મળી રહે તે માટે સંસ્કૃત વિદ્યાલય પણ પોતાના ખર્ચે ચલાવે છે. જયારે અંબાજી શહેરના રોડ રસ્તા વીજ બીલો તેમજ પંચાયત સંચાલીત માધ્યમિક શાળાના મકાન માટે પણ મંદિર ટ્રસ્ટે કરોડો રૂપિયાની સહાય કરી છે.
અંબાજી મંદિરમાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, તેમના દ્વારા કરાતી દાનદક્ષિણાની આવક માંથી આ બધી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે, એટલું જ નહીં જિલ્લામાં કે રાજ્યમાં કોઈ મોટી હોનારતો દરમિયાન પણ મંદિર ટ્રસ્ટ સરકારના મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી રાહત ફંડમાં પણ પોતાનું યોગદાન આપતું રહ્યું છે.
ગતવર્ષે માર્ચ 2019ની સ્થિતિએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વાર્ષિક આવક રૂપિયા 51 કરોડ હતી. તેની સામે ટ્રસ્ટે 43 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ વિવિધ પ્રવુતિઓ પાછળ કરીને યથાશક્તિ દાનદક્ષિણાનો સદ ઉપયોગ કર્યો છે.
અંબાજી મંદિર ટ્રસ્ટને 180 કિલો સોનુ દાનમાં મળ્યું હતું, જેમાંથી 96.300 કિલો સોનુ મંદિર ટ્રસ્ટે ભારત સરકારની ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમમાં મૂકેલુ છે અને 84 કિલો સોનુ મંદિર ટ્રસ્ટના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલુ છે. જયારે ચાંદી 6600 કિલો મંદિર પાસે જમા છે. મંદિર ટ્રસ્ટની બચતની વાત કરવામાં આવે તો બૅન્કોમાં 95.85 કરોડની થાપણો પડેલી છે.