- ડીસાના રસાણા કોલેજમાં વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો
- કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થીને ઠપકો આપતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ
- વિદ્યાર્થીના ન્યાય માટે કોલેજના વિદ્યાર્થીઓની માગ
- 12 દિવસમાં કાર્યવાહી નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી
બનાસકાંઠાઃ જિલ્લામાં ભારત એજ્યુકેશન ટ્રસ્ટની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. આ વિદ્યાર્થીએ અમદાવાદની સાબરમતી નદીમાં આત્મહત્યા કરી હતી. જ્યારે કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ આ આત્મહત્યા પાછળ કોલેજના સંચાલક જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓએ કોલેજની બહાર વિરોધ પ્રદર્શન કરીને આચાર્ય અને પ્રોફેસર સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
આ પણ વાંચો- પત્નીને મરવા મજબૂર કરનાર પતિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
સાબરમતી નદીમાં ઝંપલાવી વિદ્યાર્થીએ કરી હતી આત્મહત્યા
પાલનપુર-ડીસા હાઈવે પર આવેલી ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે, જેનું કારણ એ છે કે, આ કોલેજના વિદ્યાર્થીએ તાજેતરમાં અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને કરેલી આત્મહત્યા છે. કોલેજ બહાર ધરણાં કરી રહેલા વિદ્યાર્થીઓનું માનીએ તો, આ કોલેજમાં અભ્યાસ કરતાં પરેશ સુથાર નામના વિદ્યાર્થીને કોલેજમાં પરીક્ષા દરમિયાન કોપી કરવાના કારણોસર પકડી પાડવામાં આવ્યો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે, યુવકે માફી માગી છતાં કોલેજે તેને સસ્પેન્ડ કર્યો હતો.
કોલેજમાંથી સસ્પેન્ડ થતા હતાશ થયેલા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
આ સમગ્ર ઘટના બાદ હતાશ થયેલા પરેશ સુથારે અમદાવાદ આવી સાબરમતી નદીમાં ઝંપલાવીને 27 ઓગસ્ટે આત્મહત્યા કરી હતી. કોલેજ બહાર પરેશના મોત બાદ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, વિદ્યાર્થી પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે અને તેમાં તેની આત્મહત્યા પાછળનું કારણ કોલેજમાં આચાર્ય અને એક પ્રોફેસર હોવાનું જણાવ્યું છે. આથી હાલ આ વિદ્યાર્થીની આત્મહત્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
આ પણ વાંચો- suicide news: વલસાડ મરીન પોલીસ મથકમાં આરોપીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહી કરવા વિદ્યાર્થીઓની માગ
આ ઘટનાને પગલે આજે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ સંકુલની બહાર પહોંચી મૃતક પરેશ સુથારને ન્યાય મળે તે માટે આ ઘટનાની ન્યાયિક તપાસની માગ કરી હતી. આ સાથે જ કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. અત્યારે તો આ વિદ્યાર્થીઓએ 12 દિવસ પોતાનો અભ્યાસક્રમ બંધ રાખી પરેશને ન્યાય આપવાની માગ કરી છે. જો 12 દિવસ સુધી આ કોલેજ દ્વારા પ્રિન્સિપાલ માનસી આચાર્ય અને પ્રોફેસર નિખીલ પાટીદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી નર્સિંગ કોલેજના સંચાલક મંડળની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
કોલેજ સંચાલક મંડળ તપાસ બાદ કાર્યવાહી કરશે
તો આ તરફ આ ઘટનાને પગલે કોલેજના સંચાલકોએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરાશે અને જે જવાબદાર હશે તેમની સામે કડક પગલાં ભરાશે. કોલેજના સંચાલક મંડળની ખાતરી બાદ વિદ્યાર્થીઓ શાંત પડ્યા હતા. અને એક અઠવાડિયામાં યોગ્ય કાર્યવાહી કરવાનો સંચાલકોને વિદ્યાર્થીઓએ સમયગાળો આપ્યો છે. જો તેમ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા આગામી સમયમાં પરેશ સુથારના ન્યાય માટે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
કોલેજના સંચાલક મંડળ સામે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ડીસા તાલુકાના રસાણા ગામમાં આવેલી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય દ્વારા ઠપકો આપવામાં આવતા વિદ્યાર્થી અમદાવાદ સાબરમતી નદીમાં જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ વાત અંગેની જાણ વિદ્યાર્થીના પરિવારજનોને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પરેશના મૃતદેહને બહાર નીકાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું ત્યારે આજે ડીસા નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પરેશને ન્યાય મળે તે માટે કોલેજની બહાર હોબાળો કરવામાં આવ્યો હતો, જે વાત પરંતુ તેમના પરિવારજનોએ પણ કોલેજ સંચાલક મંડળ સામે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તાત્કાલિક ધોરણે પરેશની આત્મહત્યા પાછળ જે પણ જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.