બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર દુનિયા લડી રહી છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે દિન રાત કડી મહેનત કરી છે. અને આરોગ્ય વિભાગે એલોપથીની સાથે સાથે આયુર્વેદ અને હોમિયોપથી ઉપચારનો પણ સહારો લઇ બનાસકાંઠા જિલ્લાવાસીઓને કોરોના વાયરસથી વધુ સંક્રમિત થતા બચાવ્યા છે.
જેમાં આયુર્વેદ શાખા દ્વારા ઘરે ઘરે જઇને રોગપ્રતિકારક અને શક્તિવર્ધક ઉકાળાનું 4.60 લાખ લાભાર્થીઓને અને કોરોના વાયરસ પ્રિવેન્ટીવ હોમીયોપેથી ડોઝનું 17.33 લાખ લાભાર્થીઓને વિતરણ કર્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં આયુષ વિભાગ દ્વારા આયુર્વેદીક પ્રિવેન્ટીવ રોગ સારવાર તથા હોમીયોપેથી પ્રિવેન્ટીવ રોગ સારવાર દરેક સરકારી આયુર્વેદીક તથા હોમીયોપેથી દવાખાને ચાલુ છે.
લોકડાઉનના અમલીકરણ માટે ખડેપગે તૈનાત રહેનારા જિલ્લાના બહોળી સંખ્યામાં પોલીસકર્મી અને તેમના પરિવાર અને ઓન ડ્યુટી કર્મચારીઓ માટે આયુર્વેદીક ઉકાળો, સંશમની વટી તેમજ કોરોના પ્રિવેન્ટીવ હોમીયોપેથી ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં સેલ્ટર હોમ ખાતે રહેલા લોકોને હોમીયોપેથી ડોઝનું વિતરણ કર્યુ છે. આયુર્વેદ શાખા દ્વારા જિલ્લાની 100 થી વધુ શાળા, કોલેજોમાં કોવિડ-19 સંદર્ભે જનજાગૃતિ કેળવવા અને લોકોમાં રહેલા ખોટા ભયને દૂર કરવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આમ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એલોપથી, આયુર્વેદ અને હોમિયોપેથીકના ત્રિવેણી સંગમ થકી અત્યાર સુધી ક્વોરોન્ટાઇન કરેલા એકપણ વ્યક્તિને કોરોનાની અસર થઈ નથી. જે આરોગ્ય વિભાગ માટે એક મોટી સફળતા કહી શકાય છે.