બનાસકાંઠાઃ વાવમાં તીડ સહાય અને કૃષિ સહાયમાં બાકી ખેડૂતોનું વળતર ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે. વાવ તાલુકામાં ગયા વર્ષે તીડ સહાય અને કૃષિ સહાયમાં બાકી ખેડૂતોનું તાત્કાલિક વળતર ચૂકવવા વાવ સરપંચ એસોસિએશન દ્વારા કૃષિ પ્રધાન આર. સી. ફળદુને રજૂઆત કરવામાં આવી છે. વાવ તાલુકામાં ગયા વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ તેમ જ સહાય ચોમાસું સિઝનમાં પાક નિષ્ફળ જતા અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ સહાય પેટે બે હેકટરની મર્યાદામાં એક હેક્ટર દીઠ રૂ. 6,800 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં વાવ તાલુકાના 30 ટકા ખેડૂતોને ચૂકવણુ હજી સુધી બાકી છે ત્યારબાદ રવિ સીઝનમાં વાવ તાલુકાના ખેડૂતો ઉપર વધુ એક આફત એટલે કે તીડનું આક્રમણથી મોટા ભાગના ખેડૂતોને રવિ પાક જેવા કે, મોંઘા ભાવના બિયારણ જીરું, વરિયાળી, એરંડા, ઘઉં જેવા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન કરવાના કારણે પાક નિષ્ફળ ગયો છે. એમાં પણ રાજ્ય સરકાર દ્વારા તીડ સહાય મંજૂર કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા તીર સહાય ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં એક હેક્ટર દીઠ અઢાર હજાર રૂપિયા સહાય ચૂકવવાનું નક્કી કર્યું હતું તેનું સંપૂર્ણ સર્વે કરવામાં આવ્યો છે તેમાં આપવામાં આવેલા ખેડૂતોના ફોર્મ ભરેલ તથા તેની યાદી ગ્રામ સેવકો દ્વારા બનાવેલ હોવા છતાં હજુ એક વર્ષ પુર્ણ થઈ ગયું હોવા છતાં તેમાં પણ 30 ટકા ખેડૂતો હજુ સુધી સહાયથી વંચિત છે.
આ બાબતે ખેડૂતોએ કેટલી વાર લેખિતમાં રજૂઆતો કરવા છતાં ખેડૂતોનું આજ દિન સુધી ચુકવણું કરેલ નથી તો રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણ બાકી રહી ગયલા ખેડૂતોનું વળતર ચૂકવવા વાવ તાલુકાના સરપંચ એસોસિએશન મંડળ દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ ને લેખિતમાં રજૂઆત કરીને માગણી કરવામાં આવી છે કે, તાત્કાલિક ધોરણે બાકી રહી ગયેલા ખેડૂતોને તીડ સહાય તેમજ શિયાળું સીઝનમાં અતિવૃષ્ટિના કારણે રવિ પાકોમાં મોટા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો, જેને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જેથી બાકી રહી ગયેલા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય આપી દેવામાં આવે તેવી અમારી માગણી છે.