- ડીસાની 14 વર્ષની દીકરીની પ્રતિભા
- સૌથી નાની ઉંમરમાં ક્રિકેટ ટીમમા પસંદગી
- BCCI દ્વારા યોજનારી નેશનલ ક્રિકેટ ઓપન ટુર્નામેંટમાં પસંદગી
બનાસકાંઠા: પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનાં નાનકડા ગામ એવા મોટા કાપરાની એક 14 વર્ષની દીકરીએ પ્રતિભા પર કોઈનો ઇજારો નથી આ સાબિત કરી બતાવ્યુ છે. જિલ્લાના લોકો રૂઢિચુસ્ત વિચાર ધારા ધરાવે છે. પરંતુ સમયની સાથે-સાથે હવે આ જિલ્લાના લોકોની વિચારધારા પણ બદલાવા માંડી છે. બનાસકાંઠા જિલ્લાના લોકો પછાત છે. ત્યારે આ પછાત જીલ્લામાં સ્ત્રીઓની જીવન શૈલી કેવી હશે તે સમજી શકાય છે. પરંતુ આ તમામ બાબતો વચ્ચે ડીસા તાલુકાનાં મોટા કાપરા ગામની એક 14 વર્ષીય દીકરીએ બનાસકાંઠા જિલ્લાનું પછાતપણાનું કલંક ભાંગ્યું છે. જ્યાં સ્ત્રીઓને હજુ સુધી જોઈએ તેવી સ્વતંત્રતા નથી મળી ત્યાં આ 14 વર્ષની દીકરી મોટા શહેરના ક્રિકેટરોને પણ શરમાવે તેવું ક્રિકેટ રમી રહી છે.
રાષ્ટ્રીય કક્ષાની ઓપન ટુર્નામેંટમાં ગુજરાતની ટીમમાં પસંદગી
નિધિ દેસાઇ નામની આ દીકરીમાં રહેલી પ્રતિભાને જોઈ સહુ કોઈ દંગ થઈ જાય છે. છેલ્લા 4 વર્ષથી ડીસા ખાતે ન્યુ ટીસીડી ફાર્મ ખાતે ક્રિકેટની તાલીમ લઈ રહેલી નિધિ દેસાઈની પસંદગી આગામી સમયમાં BCCI દ્વારા યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ઓપન ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. નિધિની ઉંમર તો હજુ માત્ર 14 વર્ષ છે અને તેની પસંદગી ગુજરાતની સિનિયર ટીમમાં થઈ છે. આ બાબત જ તેનામાં રહેલી પ્રતિભાનો પુરાવો આપે છે.
8 કલાક કરે છે નેટ પ્રેક્ટિસ
એક દીકરી જ્યારે પગમાં પેડ, માથામાં હેલ્મેટ અને હાથમાં ક્રિકેટના ગ્લવ્સ પહેરીને ક્રિકેટની પિચ પર છોકરા સામે બેટિંગ કરે તે દ્રશ્ય ખરેખર બનાસકાંઠા જેવા પછાત જિલ્લા માટે આશ્ચર્ય પમાડે છે. માત્ર 14 વર્ષની ઉંમરમાં આ દીકરી અત્યારે દિવસના લગભગ 7 થી 8 કલાક નેટ પ્રેક્ટિસ કરી રહી છે. ડીસામાં ગરીબ બાળકોને નિશુલ્ક ક્રિકેટની તાલીમ આપતી સંસ્થા પણ તેની પ્રતિભાથી પ્રભાવિત છે.
આ પણ વાંચો: CAનું પરિણામ જાહેર, સુરત સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યું
બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ
બનાસકાંઠા જિલ્લામાં જ્યાં હજુ સુધી લોકો પણ રૂઢિગત જીવન પધ્ધતિથી જીવન જીવી રહ્યા છે. ત્યારે એક ગામડાની દીકરી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પોતાનું હીર બતાવે તે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે.