બનાસકાંઠાઃ દેશની સીમાઓની રક્ષા કરતા BSFના જવાનો સુરક્ષિત રહે તે માટે દાંતીવાડા ખાતેના BSF કંપની ગેટ પર સેનેટાઈઝર મશીન મૂકવામાં આવ્યું છે. ડીસાના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલું આ સેનેટાઈઝર મશીન બીએસએફના ગેટ પર મુકતા જે પણ લોકો BSF કેમ્પસમાં પ્રવેશ કરે છે. તે સસેનેટાઈઝ થયા બાદ જ BSF કેમ્પમાં પ્રવેશ મેળવી શકશે.
દેશમાં કોરોના વાઇરસ વધુ સંક્રમિત ના થાય તે માટે અનેક બાબતોની તકેદારી રાખવામાં આવી રહી છે. સરકાર કોરોના સંક્રમણ વધુ ન વકરે તે માટે અનેક સૂચનાઓ જાહેર કરી ચૂકી છે, ત્યારે સરહદની સીમા પર 24 કલાક દેશની સુરક્ષા કરતા જવાનો કોરોના વાઇરસથી સંક્રમિત ના થાય તે માટે તકેદારી લેવામાં આવી રહી છે.
બનાસકાંઠા સરહદ પર જે BSFના જવાનો દેશની સુરક્ષા કરી રહ્યા છે. તેમનો કેમ્પ દાંતીવાડા ખાતે આવેલો છે. દાંતીવાડા કેમ્પ ખાતે કામ વિના અંદર પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ આવશ્યક સેવાઓ તથા BSF કેમ્પમાં કામ અર્થે આવતા જવાનો અને નાગરિકો હવે કેમ્પમાં સેનેટાઈઝ થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે.
ડીસાના યુવાન ખેડૂત અને ફિસ પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી અને તેમની ટીમ દ્વારા સેનેટાઈઝર મશીન બનાવવામાં આવ્યું છે. જેમાં 15 સેકન્ડ રોકાયા બાદ શરીર પરના કપડાં સેનેટાઈઝ થઈ જાય છે અને તે બાદ કોઈપણ વ્યક્તિને BSF કેમ્પમાં પ્રવેશ આપવામાં આવશે. જેના કારણે દેશની સુરક્ષા કરતા જવાનો કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહે.