આ ત્રિશુળીયા ઘાટ પર ૧૮ જેટલા જોખમી વળાંકો છે જેને ઓછા કરવા પહાડો કાપવા માટેની અનેક મશીનરીઓ કામ કરી રહી છે. આ કામગીરીમાં હાલનો વાહન વ્યવહાર અડચણરૂપ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેને લઇ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પહેલી ડિસેમ્બરથી દાંતાથી અંબાજી જવાના માર્ગ પર વાહનવ્યવહાર માટે રસ્તો બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે, જે ૩૧ ડિસેમ્બર સુધી યથાવત રહેશે.
આ રસ્તો બંધ કરાતા પાલનપુરથી આવતા વાહનોને વાયા ચિત્રાસણી અને વિરમપુર થઈને અંબાજી પહોંચવાનું રહેશે જ્યારે વિસનગરથી વાયા દાંતા થઈને અંબાજી આવતા વાહનોએ વાયા હડાદ થઈને અંબાજી આવવાનું રહેશે.જોકે આ સમગ્ર પ્રક્રિયાને લઇ એસ.ટી વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચશે. તેમજ એસ.ટી વાયા હડાદ થઈ દાંતા જશે જેમાં 25 કિલોમીટર સુધીનો વધારો થશે જેને લઇ હાલ તબક્કે એસ.ટી.ના ભાડામાં કોઈ વધારો કરાયો નથી પણ જો એસટી નિગમ ઈચ્છે તો વધારો થવાની પણ શક્યતા સેવાઇ રહી છે અને જો ભાવ વધારો કરવામાં નહીં આવે તો એસટી નિગમને પણ મોટી ખોટનો સામનો કરવો પડશે તેમ અંબાજી ડેપો મેનેજરે જણાવ્યું હતું.