આજના યુગમાં વ્યક્તિ માત્ર પૈસા કમાવાની લાઈનમાં ખોવાઈ ગયો છે, ન તો પોતાના શરીરની જાળવણી રાખે છે ન તો પોતાના પરિવારનું ધ્યાન. ત્યારે આવા વ્યક્તિઓને જાગૃતિ માટે ડીસાની આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીસા ખાતે કાર્યરત આદર્શ હાઇસ્કૂલ દ્વારા દર વર્ષે વિવિધ જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતા બાળકો દ્વારા એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રભાત ફેરીમાં નાના બાળકો દ્વારા ડીસાની વિવિધ કચેરીઓમાં 'વહેલા ઊઠો વીર બનો', 'વહેલા ઊઠો શરીર તંદુરસ્ત રાખો' જેવા વિવિધ બેનરો સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને આ રેલી ડીસાના શ્રમજીવી વિસ્તારમાં નીકળી હતી અને તેઓને સંદેશો આપવામાં આવ્યો હતો કે, વહેલા ઉઠવાથી શું ફાયદા થાય છે. આ રેલી સવારના સુંદર વાતાવરણમાં નિકળી પરત આદર્શ સ્કૂલ ખાતે પહોંચી હતી.