પાલનપુરઃ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, ત્યારે ડીસા શહેરમાં ડીસા નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું જોડાણ ન આપવામાં આવતા આ વિસ્તારમાં વરસાદી પાણી લોકો માટે મુસિબત સર્જી રહ્યું છે. રેલવે સ્ટેશન વિસ્તાર ડીસા શહેરમાં આવેલો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં લગભગ 25 હજાર કરતાં પણ વધુ લોકો વસવાટ કરે છે. તેમ છતાં આ વિસ્તારમાં સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ સાબિત થઈ રહી છે.
ડીસા નગરપાલિકાની હદમાં આવતો આ વિસ્તારના લોકો અત્યારે વરસાદી પાણીના નિકાલની સમસ્યાને લઈ પરેશાન જોવા મળી રહ્યાં છે. આ વિસ્તારમાં બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટરનું જોડાણ મુખ્ય ગટરમાં આપવામાં ના આવેલું હોવાના લીધે વરસાદ દરમિયાન જે વરસાદી પાણી પસાર થતું હોય છે તે પાણી અવરોધાઈ રહ્યું છે અને અહીંના રહેણાંક વિસ્તારમાં ભરાઈ જતાં સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ જ નિરાકરણ ન આવતા આ વિસ્તારના લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ડીસા શહેરમાં સતત પડેલા 2 દિવસમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આ વરસાદી પાણી ભરાવાના કારણે અનેક ગરીબ લોકો પરેશાન થઈ રહ્યાં છે. 'ન' જેવા વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડીસામાં મોટાભાગે મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે, જેમાં ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં 300થી પણ વધુ પરિવાર વસવાટ કરે છે. જે માંડ માંડ મજૂરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે બે દિવસ પડેલા વરસાદના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા દોઢ વર્ષથી આ વિસ્તારમાં નગરપાલિકાએ પાકો રસ્તો બનાવ્યો છે, પરંતુ યોગ્ય રોડ ન બનાવતા હાલ આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. જેના કારણે અહીંયા રહેતા નાના બાળકોમાં બીમારી વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે, ત્યારે આ વિસ્તારના લોકોની માગ છે કે, તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી આપવામાં આવે જેથી આવનારા સમયમાં કોરોના વાઇરસની બીમારી વચ્ચે અન્ય બીમારી ફેલાય નહીં.
એક તરફ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ રહ્યાં છે, ત્યારે સત્વરે ડીસાના વિકાસ માટે જ્યાં વરસાદી પાણી ભરાતા હોય તેવા વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તો મોટી બીમારીથી બચી શકાય તેમ છે.