જિલ્લામાંથી ચોમાસુ વિદાય લેવાનું નામ જ ન લેતું હોય તેમ લાગી રહ્યું છે અને જિલ્લામાં અવારનવાર વરસાદી માહોલ બની જતા ખેડૂતોનો જીવ અધ્ધરતાલ થઈ જાય છે, તેવામાં બુધવારના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
વાવ, ભાભર અને સૂઇગામ તાલુકામાં કમોસમી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે વાવ પંથકમાં વાવાઝોડા અને કરા સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. વારંવાર થઇ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ વિસ્તારમાં એરંડા, જીરું અને જુવાર જેવા પાકનું મોટાપાયે વાવેતર થયુ હોવાથી કમોસમી વરસાદથી મોટું નુકસાન થતાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.