બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર વાવ ,સુઇગામ,દિયોદર અને થરાદ તાલુકામાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને કરા સાથે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
આ કારણે હાલમાં રવિ સિઝનનો તૈયાર પાક ખળામાં હોઈ જેને ખેડૂતો લેવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભર ઉનાળે કમોસમી માવઠું થતા સૌથી વધુ ચિંતા ખેડૂતને છે. જ્યારે કોરોના કહેર વચ્ચે વાવ વિસ્તાર હોટસ્પોટ બનેલું છે અને તેની આજુબાજુના 8 કિલોમીટરનો વિસ્તારો પણ કન્ટેનમેન્ટ એરિયામાં છે ત્યારે આ વિસ્તારમાં કમોસમી માવઠું થતા લોકોમાં અલગ પ્રકારનો ભય પ્રસરી જવા પામ્યો છે.
લોકોને જ્યારે ઘરમાં જ રહેવાનું છે ત્યારે ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિમાં રહેતા લોકોને કમોસમી વરસાદના પગલે ભારે મુસીબતનો સામનો કરવાનો વરો આવ્યો છે. આ કમોસમી માવઠા ના કારણ આ વિસ્તારમાં કોરોના વાઇરસનો રોગચાળો વધુ ફેલાય તેવા ડરે લોકોની સાથે સાથે આરોગ્ય વિભાગની પણ ચિંતામાં વધારો થયો છે.