- બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ ખાબક્યો
- બનાસકાંઠા જિલ્લાના 15 દિવસના વિરામ બાદ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખૂશી
- બપોર બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
- વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકો પરેશાન
- લાંબા સમયના વિરામબાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ
બનાસકાંઠા: જિલ્લામાં પહેલા રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ બનાસ વાસીઓ અને ખાસ કરીને ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય છૂટાછવાયા વરસાદ બાદ આજે બપોરના સમયે ડીસા સહિત આજુ-બાજુના પંથકમાં વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ બપોર ના સમયે એકાએક વરસાદ ખાબકતા ચોતરફ ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો માત્ર 17.90 ટકા જ વરસાદ થયો છે.
80 ટકા વરસાદી પાણીની જરૂર
આમ જોઈએ તો બનાસકાંઠાની ધરતીને હજુ પણ 80 ટકા વરસાદી પાણીની જરૂર છે. ખાસ કરીને બનાસકાંઠાની જીવાદોરી સમાન ત્રણેય જળાશયો ખાલીખમ હાલતમાં છે. જો આ વર્ષે સારો વરસાદ નહીં થાય તો કદાચ આવનારા સમયમાં પાણીનું સંકટ વધુ ઘેરુ બને તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે ત્યારે આ વખતે સારો વરસાદ થાય તેવી ખેડૂતો અને જિલ્લાવાસીઓ આશા રાખી રહ્યા છે.
અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં પંદર દિવસના વિરામ બાદ આજે બપોર બાદ કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં ભારે વરસાદ પડતા ખેડૂતોમાં ખાસ કરીને ખુશી જોવા મળી હતી. બીજા શહેરમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાતા ખાસ કરીને વાહન ચાલકો અને સોસાયટીના અનેક લોકો ભારે પરેશાન થયા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે, આજે બપોર બાદ તે પ્રમાણે વરસાદ શરૂ થયો હતો તેના કારણે લોકોએ ભારે ઉકળાટ અને બફારાથી રાહત મેળવી હતી.
વધુ વરસાદની આશા
ચાલુ વર્ષે જે પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોએ જે મોંઘા બિયારણો લાવી વાવેતર કર્યું હતું તેવા પાકોને રાહત મળી હતી. પરંતુ હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને જેવો જોઈએ તેવો વરસાદ ન પડતાં પાણીનું વિકટ સંકટ જોવા મળી રહ્યું છે તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હાલ ખાલીખમ પડ્યા છે ત્યારે હાલ તો ખેડૂતો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હજુ પણ ઉપરવાસમાં સારો વરસાદ થાય છે જેના કારણે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણીની આવક થાય છે તે આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લા પર પાણીનું સંકટ થાય નહીં.