- બનાસકાંઠા જિલ્લામાં ડુપ્લીકેટ ઘીનું મોટું નેટવર્ક
- ડીસામાંથી ત્રણ મહિના અગાઉ ઘીના સેમ્પલ લેવાયા હતા
- ઘીના 17 સેમ્પલમાંથી 15 સેમ્પલ ફેઈલ થયા
બનાસકાંઠા: ડીસામાં ભેળસેળ વાળું ઘી બનતું હોવાની બાતમીના પગલે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ 17 સપ્ટેમ્બરના રોજ ડીસાના લાટી બજાર વિસ્તારમાં દરોડો પાડી સંગમ, શિવમ, સંસાર, સમ્રાટ અને શ્રી બ્રાન્ડના ઘીના 17 સેમ્પલ લીધા હતા. જે પૈકી 15 જેટલા સેમ્પલ ફેઈલ થયા છે.
બનાસકાંઠા જિલ્લામાં ડુપ્લીકેટ વસ્તુઓનું મોટું નેટવર્ક હોય તેમ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા ચાર મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાઓ પર ડુપ્લીકેટીંગ થતું હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેના પરથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં ડુપ્લીકેટ વસ્તુઓનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડુપ્લીકેટીંગ ડીસા શહેરમાં ઘી અને તેલનું થાય છે. દિવાળીના તહેવારોમાં પણ બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તેલની અનેક ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે સરકાર દ્વારા ડુપ્લીકેટીંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં ડુપ્લીકેટ વસ્તુઓ બંધ થઈ શકે તેમ છે.
ડીસામાંથી 3 મહિના અગાઉ ઘીના સેમ્પલ લેવાયા હતા
ડીસાના લાટી બજાર વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી કોમ્પલેક્ષ અને વીર માર્કેટીંગમાં ભેળસેળ વાળું ઘી બનતું હોવાની બાતમીના આધારે પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 17 સપ્ટેમ્બરે દરોડા પાડયા હતા. જે ફેક્ટરીમાંથી સંગમ, શિવમ, સંસાર, સમ્રાટ અને શ્રી બ્રાન્ડનું અખાદ્ય ઘી બની રહ્યું હોવાની બાતમી મળી હતી. જે તમામ બ્રાન્ડના 17 સેમ્પલ લઈ 11952 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. તેમજ રૂપિયા 26.81 લાખનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘીના જે 17 સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલયા હતા તેમાંથી 15 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડના આવ્યા છે. આ અંગેની વિગતો આપતા ડેઝિગ્નેટેડ ઓફિસર ડી. જી. ગામીતે જણાવ્યું કે, એક જ પેઢીના 17 પૈકી 15 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડના આવ્યા છે. જેથી હવે આગળની કાર્યવાહી માટે નિવાસી નાયબ કલેકટરની કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. પ્રત્યેક બ્રાન્ડ દીઠ દંડાત્મક કાર્યવાહી હાથ કરવામાં આવશે. જેમાં ઉત્પાદક અને વિક્રેતાનો અલગ-અલગ દંડ કરાશે.