બનાસકાંઠા : જિલ્લામાં વર્ષ 2015 અને 2017માં આવેલા વિનાશક પૂરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી આ વખતે વધુ વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે.
જિલ્લા ખાતે આજે બુધવારે ધાનેરા ખાતે નાયબ કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસર અને SDRFની ટીમોએ ધાનેરામાં અગાઉ પુર સમયે જ્યાં જ્યાં પાણી ભરાયું હતું તે વિસ્તારની મુલાકાત લઇ સમગ્ર માહિતી મેળવી અને ગ્રાઉન્ડ પર સમીક્ષા કરી હતી. તેમજ ફરીવાર જો અચાનક પાણીનો પ્રવાહ વધી જાય તો ક્યાંથી પાણીનો નિકાલ કરવો, લોકો અને પશુઓને ક્યા કયા સ્થળ ઉપર સ્થળાંતર કરી શકાય તેની સમગ્ર માહિતી મેળવી હતી.
આ ઉપરાંત ધાનેરાના અલગ-અલગ 20 સ્પોટ પર જઈ તમામ સ્થળોની સમજણ આપી હતી. ચોમાસા પૂર્વે જ સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને વધુ વરસાદ આવે તો કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સરકાર દ્વારા પહેલાથી જ કટિબદ્ધ બની છે, ત્યારે આપત્તિના સમયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેવી સક્રિયતા દાખવે તે જોવું રહ્યું.