બનાસકાંઠાઃ સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પણ અનેક જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાંથી પણ મોડી રાતે શંકાસ્પદ ગેરકાયદેસર માંસના જથ્થાની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે.
જેમાં એક જીપમાં ગેરકાયદેસર માંસનો જથ્થો લઇ જતા હોવાની બાતમી મળતા જ જીવદયાપ્રેમીઓએ પોલીસ અને નગરપાલિકાને જાણ કરી હતી. પોલીસે નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી વોચ ગોઠવતા હાઇવે પર એક પિકઅપ ડાલાને અટકાવી તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ ગેરકાયદેસર માંસનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ કસાઈના ઘરેથી પણ તપાસ કરતાં કુલ 55 કિલો માંસનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે બોલેરો જીપડાલુ ,માંસનો જથ્થો અને ચાલક યુસુફખાન સેખની અટકાયત કરી છે. અને જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.