બનાસકાઠાઃ જિલ્લાના ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપ સાથે નગરપાલિકા બની છે, ત્યારથી શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ કોર્પોરેટરોની મનમાનીના કારણે અમુક વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યો છે. ડીસા શહેરના કેટલાય એવા વિસ્તારો છે કે, જ્યાં આજે પણ નથી તો પીવા માટે સારું પાણી આવતું કે નથી તો કોઈ રોડ કે ગટરની વ્યવસ્થા.
આજે પણ ડીસા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો ખરાબ ગટરો અને રોડના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં લોકોને વર્ષોથી કોઇ પણ પ્રકારની સુવિધા મળી નથી.
ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં 200થી પણ વધુ પરિવાર વસવાટ કરે છે, આ વિસ્તારમાં 20 વર્ષથી ડીસા નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારે વિકાસના કામો કરવામાં આવ્યા નથી ન તો આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યા છે. આ બાબતે શનિવારે વિસ્તારને અમારા દ્વારા મુલાકાત લેવામાં આવતા આ વિસ્તાર ગંદકીથી ખદબદતું જોવા મળ્યું હતું, ચારે બાજુ માત્ર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા, આ વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી સુવિધાથી વંચિત છે.
રહીશોએ આ વિસ્તારના કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 20 વર્ષ થયા હોવા છતાં અમારા વિસ્તારમાં કોઈ સુવિધા મળી નથી, અમારા વિસ્તારમાં ચૂંટણીના સમયે કોર્પોરેટરો માત્ર વોટ લેવા માટે આવે છે, અનેક પ્રકારે આશ્વાસન આપી અમારી પાસેથી વોટ લઈ જાય છે, પરંતુ જીત્યા બાદ એક પણ કોર્પોરેટર અમારા વિસ્તારની મુલાકાત લેતા નથી, જેના કારણે આજ દિન સુધી અમારા વિસ્તારમાં કોઈપણ પ્રકારે સુવિધા મળી નથી, ખખડધજ રસ્તાઓના કારણે વારંવાર અમારે આ વિસ્તારમાંથી પસાર થવામાં તકલીફ પડી રહી છે, તો બીજી તરફ ગંદકીના કારણે મોટી બીમારીઓ પણ ફાટી નીકળે તેવી દહેશત હાલ અમારા વિસ્તારમાં જોવા મળી રહી છે.
હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડીસા શહેરના પ્રતાપનગર વિસ્તારના 200 જેટલા પરિવારો નજીવા વરસાદમાં અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભોપાનગર વિસ્તારમાં 20 વર્ષથી લોકો કોઈપણ પ્રકારની સુવિધા મેળવી શક્યા નથી. ત્યારે હવે ડીસા નગરપાલિકા ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે આ વિસ્તારના લોકોએ નગરપાલિકાના કોર્પોરેટરોને ચીમકી આપી છે કે, આગામી સમયમાં અમારા વિસ્તારમાં ગટર રોડ અને વરસાદી પાણીના નિકાલની કોઇ સુવિધા કરવામાં નહીં આવે તો એકપણ વોટ અમારા વિસ્તારમાંથી મળશે નહીં.
આ વિસ્તારમાં મુંબઈમાં રહેતા અનેક પરિવારો અને નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ખર્ચે વોટિંગ કરવા માટે આવે છે, પરંતુ કોઇ જ પ્રકારની સુવિધા ના મળતા મુંબઈથી આવેલા આ પરિવારોએ આગામી સમયમાં નગરપાલિકામાં વોટીંગ નહીં કરવાની ચીમકી આપી હતી. ડીસા શહેરમાં શુક્રવારના રોજ પડેલા ન જેવા વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે આ વિસ્તારના લોકોએ પોતાના પરિવાર સાથે આખી રાત પાણી ઠાલવવામાં કાઢી હતી. અત્યારે હાલ તો આ વિસ્તારના લોકોએ સુવિધા નહીં તો વોટ નહીં ના નારા સાથે નગરપાલિકામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં વોટ નહીં કરવાની ચીમકી આપી હતી.
ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં રહેતા પરિવારોને આ અહેવાલ બાદ સુવિધા મળશે કે નહીં તે તો સમય બતાવશે, પરંતુ આ વિસ્તારમાં જો વિકાસના કામો નહીં થાય તો આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં ચોક્કસથી આ વિસ્તારના લોકો વોટીંગ નહીં કરે. ત્યારે ડીસા નગરપાલિકા સત્તાધીશો તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લઇ આ વિસ્તારના લોકોને સુવિધા આપે તો આ વિસ્તારના લોકોને 20 વર્ષથી પડી રહેલી તકલીફ દૂર થાય તેમ છે.