બનાસકાંઠાઃ રાજ્ય સરકારે નિરાધાર લોકોને પણ ખુલ્લામાં ના રહેવું પડે તે માટે દરેક જિલ્લાના મુખ્ય મથકોએ શેલ્ટર હોમની વ્યવસ્થા ઉભી કરી છે. જ્યાં નિરાશ્રિત લોકોને રહેવા માટે કરોડોના ખર્ચે ભવ્ય હોલનું નિર્માણ કરાયું છે. જેથી તેઓને શિયાળો, ઉનાળો કે ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં સૂવું ના પડે, ત્યારે આ ભાવનાથી પાલનપુર શહેરમાં પણ જુદા-જુદા વિસ્તારોમાં ત્રણ શેલ્ટર હોમ ઉભા કરાયા છે. જેમાંથી તાજેતરમાં ભાજપે પાંચ વર્ષનું પાલિકાનું સાશન પૂર્ણ થાય તે પૂર્વે જ હમીરબાગ ખાતેના શેલ્ટર હોમનું લોકાર્પણ પણ કર્યું હતું. પરંતુ નામ માત્રના આ લોકાર્પણમાં હજુ પાણી, વીજળી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. પાલિકાની ટર્મ પુરી થતી હોવાથી જશ ખાટવા માટે ઉતાવળમાં જ લોકાર્પણ કરી દીધું હોઈ એવુ લાગી રહ્યું છે.
આ સિવાયના બીજા બે શેલ્ટર હોમ તો વર્ષોથી બંધ હાલતમાં જ પડ્યા છે. આ તમામ સ્થિતિને લીધે આજે શહેરમાં 100થી વધુ નિરાધાર લોકો દરરોજ રાત્રે રેલવે સ્ટેશન, કોઝી, જોરાવર પેલેસ, હાઇવે સહિત જુદા જુદા વિસ્તારોમાં ખુલ્લાંમાં જ રસ્તા પર સુઈ રહ્યા છે, જેમાંથી કેટલાય લોકો પાસે તો ઓઢવા માટે ધાબળા પણ નથી હોતા. આવી સ્થિતિમાં લોકોને કાતિલ ઠંડીમાં પણ ખુલ્લામાં રાત પસાર કરવી પડી રહી છે.
અહીં સવાલ એ વાતનો છે કે, જો શેલ્ટર હોમના લોકાર્પણના 20 દિવસ બાદ પણ લોકોને ખુલ્લામાં સૂવું પડતું હોય તો જો કોઈ વ્યક્તિનું રાત્રી દરમિયાન મોત નિપજશે તો જવાબદારી કોણ લેશે ?સરકાર સંવેદનશીલતા દાખવી જે યોજના પ્રજા માટે અમલી બનાવે છે, તે યોજનામાં જો વહીવટીતંત્ર પણ એટલી જ સંવેદના દાખવે તો જ યોજનાઓ સાચા અર્થમાં લાભાર્થી સુધી પહોંચી શકશે, નહિતર યોજના માત્ર અને માત્ર કાગળ પર ચમકતી રહેશે.