અંબાજી નજીકના ચીખલા ગામના લક્ષ્મીબેન નાનાભાઇ મોરીજિયા ગામના જ સાયબાભાઇ પરમારના બાઇક ઉપર વિરમપુરથી પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન બાઇક સ્લીપ થતાં લક્ષ્મીબેનનું અવસાન થયું હતું. પહેલા અમીરગઢ સારવાર બાદમાં પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પાલનપુર સિવિલમાં લક્ષ્મીબેનનું મૃત્યુ થયું હતું. જોકે લક્ષ્મીબેનના નજીકના પરિવારજનો હાજર ન હતા ત્યારે ગ્રામજનોએ તેમના આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવાનું જણાવ્યું હતું.
જોકે સિવિલના ડૉક્ટરોએ તેમને પોસ્ટમોર્ટમ કરાવવું હોય તો જ PM રૂમમાં લાશ રાખવાનુ કહ્યું હતું, પરંતુ લક્ષ્મીબેનના દિકરા અને તેમના પરિવારજનો હાજર ન હતા, ત્યારે ગ્રામજનોએ ઇન્કાર કર્યો હતો આથી ડોક્ટરોએ મૃતદેહને PM રૂમમાં ન મૂકતા PM રૂમની બહાર ખુલ્લામાં જ વરસતા વરસાદમાં નીચે મૂકી દીધી હતી. ગ્રામજનોએ આખી રાત વરસતા વરસાદમાં કૂતરાઓથી મૃતદેહને બચાવી હતી. અને વરસાદથી બચાવવા માટે પ્લાસ્ટિક ઢાંકીને લાશને રાખી હતી.
જ્યારે બીજી તરફ ધૂળીબેન ગલબાભાઇ ખરાડીને ઘણા સમયથી ટીબી હતી અને ખાનગી દવાખાનામાં સારવાર ચાલુ હતી ત્યારે ખાનગી દવાખાનામાં મૃત્યુ થતાં તેમના પતિએ પીયરમાં જાણ કરી હતી. જોકે પિયરપક્ષના લોકો આવે ત્યાં સુધી તેમણે PM કરાવવાનું મુનાસીબ માન્યું ન હતું અને મૃતદેહને સિવિલમાં રાખ્યુ, જો કે સિવિલના સ્ટાફે લાશને PM રૂમમાં લઇ જવાને બદલે આખી રાત વરસતા વરસાદમાં જ મૂકી દીધી હતી .
જો કે ગુલાબ ખરાડી તથા તેમના બાળકો આખી રાત વરસતા વરસાદમાં બેસી રહી લાશની ખબર રાખી હતી. આમ જો સિવિલના ડોક્ટરો દ્વારા માનવતા દાખવી અને પરિવાર આવે ત્યાં સુધી PM રૂમમાં બન્ને મહિલાઓના મૃતદેહ રાખવામાં આવ્યા હોય તો આ બન્ને મૃતદેહ વરસાદના બહાર પલળતા ન હોત.
આ અંગે જ્યારે અમે જિલ્લા આરોગ્ય અધિકારી બી એ શાહનો સંપર્ક કર્યો ત્યારે તેમને જણાવ્યું હતું કે કોઈ પણ ઘટના બને અને પોલીસ ફરિયાદ ન થાય ત્યાં સુધી ડોક્ટરો દ્વારા લાશોને PM રૂમમાં મૂકી શકાતી નથી. ત્યારે માનવતા ખાતર જો આ બન્ને મૃતદેહોને મુકવાની વાત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું હતું કે જે પણ હશે તેની યોગ્ય તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.